આફ્રિકાના મોઝામ્બિકમાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં અનેક ગુજરાતી લૂંટાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ ગામના અનેક વ્યક્તિઓની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી છે. હાલમાં આ તમામ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને સરકાર દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આફ્રિકામાં રહેતા જંબુસરના કાવીના વેપારીઓ લૂંટાયા
આફ્રિકાના મોઝામ્બિક શહેરમાં રહેતા કાવી ગામના ઈમરાન યાકુબ ભાઈજી, યાસીન સાલેહ તેમજ ઈનાયત માનુ, સફરાજભાઈ સીતપોણ નામના ગુજરાતીઓની દુકાનો લૂંટાઈ છે. આ સાથે જ ગુજરાતીઓના મોટા મોટા વેરહાઉસમાં પણ લૂંટફાટ કરીને તેને સળગાવી દેવામાં આવ્યા છે. આ લુંટફાટમાં અંદાજિત 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અનેક વખત આફ્રિકામાં ગુજરાતીઓ સાથે બની છે લુંટની ઘટના
તમને જણાવી દઈએ કે આ પહેલી વખત નથી કે ગુજરાતી લોકો પર આફ્રિકામાં લુંટની ઘટના બની હોય, અગાઉ પણ ભરૂચના એક મોટા વેપારી સાથે આફ્રિકામાં કેટલાક લોકો દ્વારા લુંટ ચલાવવામાં આવી હતી. ત્યારે ઘણી વખત તો લુંટ દરમિયાન કોઈ વસ્તુઓ કે પૈસાના મળવાના કારણે કેટલાક ગુજરાતીઓની હત્યા પણ કરવામાં આવી છે અને ગુજરાતીઓના સ્ટોર અને ફેક્ટરીઓને મોટી રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે. ત્યારે આ અંગે સરકાર યોગ્ય તપાસ કરે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે યોગ્ય પગલા ભરે તેવી આફ્રિકાના ગુજરાતી સમાજ દ્વારા માગ કરવામાં આવી છે.