- ભીષણ થઈ રહેલા ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે નવી અપડેટ
- IDFના જવાનોએ તબાહ કરી દીધું હમાસ શાસિત ગાઝા
- ઇઝરાયલે અનેક વિસ્તારો માંથી પરત બોલાવ્યા પોતાના સૈનિકો
દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં મંગળવારે ભીષણ યુદ્ધ થયાના સમાચાર છે. આના એક દિવસ પહેલા ઇઝરાયલે કહ્યું હતું કે તે ભીષણ એર સ્ટ્રાઈક અને જમીની કાર્યવાહીની રણનીતિમાં સંભવિત ફેરફારને જોતાં અન્ય વિસ્તારોમાંથી પોતાના હજારો સૈનિકોને પરત બોલાવી રહ્યું છે. ઇઝરાયલે હમાસ શાસિત ગાઝાને તબાહ કરી દીધું છે.
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ હમાસને કચડી નાખવાની અને ગાઝામાં આતંકવાદી સંગઠન દ્વારા બંધક બનાવવામાં આવેલ 100 થી વધુ લોકોને મુક્ત કરાવવા સુધી યુદ્ધ ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે. તેમણે કહ્યું છે કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હજુ કેટલાંક વધુ મહિનાનો સમય લાગી શકે છે.
પરંતુ અમેરિકન વિદેશમંત્રી એન્ટોની બ્લિંકનની ઇઝરાયલ મુલાકાત પહેલા ઇઝરાયલ પર યુદ્ધ રોકવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ સતત વધી રહ્યું છે. ઇઝરાયલના હુમલામાં પહેલા લગભગ 22 હજાર પેલેસ્ટિનિયન મોત થયા હતા. બ્લિંકને અપીલ કરી છે કે તેઓ પેલેસ્ટિનિયન નાગરિકોને બચાવવા માટે વધુ પગલાં ભરશે.
ઇઝરાયલ દ્વારા સૈનિકોને હટાવવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે દેશની સુપ્રીમ કોર્ટે નેતન્યાહુ સરકારના વિવાદાસ્પદ ન્યાયિક સુધારણા બિલના મહત્વના મુદ્દાઓને રદ કરી દીધા છે. ન્યાયિક સુધારણાની યોજનાએ ઇઝરાયલી નાગરિકોને વિભાજિત કરી દીધા હતા અને 7 ઓકટોબરના રોજ હમાસના હુમલા પહેલા સૈન્ય તૈયારીઓને જોખમમાં મૂકી દીધી હતી.
ઇઝરાયલી સેનાએ સોમવારે કહ્યું હતું કે પાંચ બ્રિગેડ અથવા હજારો સૈનિકોને આગામી સપ્તાહોમાં ગાઝાથી પરત બોલાવશે. કેટલાંક સૈનિકો પોતાના પ્રશિક્ષણ કેન્દ્રો પર પરત જશે જ્યારે કેટલાંક આરક્ષિત સૈનિકો પોતાના ઘરે જશે. યુદ્ધને કારણે આરક્ષિત સૈનિકોને યુદ્ધ મોરચે આવવા માટે મજબૂર થવું પડ્યું જેની અસર દેશની અર્થવ્યવસ્થા પર થઈ કારણ કે પોતાના ધંધા રોજગાર અથવા કોલેજનો અભ્યાસ છોડવા પડ્યા હતા.
સેનાએ સાર્વજનિક રૂપે કહ્યું ન હતું કે સૈનિકોની વાપસી યુદ્ધના નવા ચરણને પ્રતિબિંબિત કરે છે છે પરંતુ આ પગલું ઇઝરાયલ દ્વારા લેવામાં આવેલ યોજનાને અનુકૂળ છે જેને ઓછી તીવ્રતના સૈન્ય અભિયાન પર બહાર મૂક્યો છે અને તે હમાસના ગઢને નિશાન બનાવવા પૂરતું મર્યાદિત હશે. ઈઝરાયેલના નેતૃત્વ અનુસાર આ અભિયાન લાંબો સમય ચાલી શકે છે.
ઈઝરાયેલે કહ્યું છે કે તે ઉત્તરી ગાઝાના મોટાભાગના વિસ્તારો પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાની નજીક છે, જેનાથી ત્યાં દળોની જરૂરિયાત ઘટશે. છતાં પેલેસ્ટિનિયન પ્રદેશના અન્ય ભાગોમાં, ખાસ કરીને દક્ષિણમાં ભીષણ લડાઈ ચાલુ છે. દક્ષિણમાં, હમાસના આતંકીઓ ઇઝરાયેલનો સામનો કરી રહ્યા છે અને ગાઝા પટ્ટીના 23 લાખ લોકોની મોટાભાગની વસ્તી આ વિસ્તારોમાં આશ્રય લઈ રહી છે.
હમાસે ગત વર્ષે 7 ઓક્ટોબરની રાત્રે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1200 લોકો માર્યા ગયા હતા અને 240 લોકોને બંધક બનાવ્યા હતા. હમાસ શાસિત ગાઝા પટ્ટીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલામાં અત્યાર સુધીમાં 21,900 લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, ગાઝામાં હમાસ વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશનની શરૂઆતથી અત્યાર સુધીમાં તેના 173 સૈનિકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયલ દ્વારા 8 હજાર આતંકીઓને ઠાર માર્યા છે. ગાઝાની 23 લાખ વસ્તીમાંથી 85 ટકા લોકો વિસ્થાપિત થયા છે.


