કપાસ, એરંડા અને તૂવેરની આડમાં છુપાયેલા 3૦3૬ કિલો ગાંજો એકત્ર કરવા ૧૨ જીઆરડી જવાન ધંધે લાગ્યા, ત્રણ ટ્રેકટર ભરી પોલીસ સ્ટેશન લઇ જવાયો : એકની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી SOGની ટીમે સતત 36 કલાક રેડ કરીને એક કે બે નહીં પણ 15 કરોડથી વધુની કિંમતના 3036 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. આ રેડ સુરેન્દ્રનગરના ઇતિહાસમાં ગાંજાની સૌથી મોટી રેડ માનવામાં આવે છે. એરંડા-કપાસના પાકની આડમાં વાવેતર કરાયેલા લીલા ગાંજાના છોડ તેમજ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
DYSP વી.એમ. રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે SOG શાખાએ સાયલા તાલુકાના કસવાળી ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કસવાળીના સંજય તાવીયાની વાડીમાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીએ પોતાની માલિકીની વાડીમાં એરંડા અને કપાસના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.
પોલીસે વાડીમાંથી 550 નંગ લીલા ગાંજાના છોડ અને મોટા જથ્થામાં સૂકો ગાંજો જપ્ત કર્યો હતો. આ તમામ ગાંજાનું કુલ વજન 3036 કિલો 800 ગ્રામ થયું હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 15,18,40,000 આંકવામાં આવી છે. ગાંજાના છોડને ઉખેડવા માટે 12 GRD જવાનોની મદદ લેવામાં આવી હતી. તેમજ સતત 36 કલાક સુધી રેડ ચાલી હતી. ગાંજાનો જથ્થો 3 ટ્રેક્ટરમાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.
આરોપી સંજય તાવીયાની અટકાયત કરી, ધજાળા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કસવાળી ગામમાંથી જ અન્ય ખેતરમાંથી પણ ગાંજો ઝડપાયો હતો. જ્યાં પોલીસે સવા બે કરોડની કિંમતનો ગાંજો ઝડપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં એક મહિના પહેલા પણ કરોડોનો ગાંજો ઝડપાયો હતો.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, ગાંજાના બે મોટા કેસ ઝડપી પાડવામાં આવ્યાં છે. બંને કેસ ધજાળા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક કેસ ધજાળાની લોકલ ટીમ દ્વારા અગાઉ કરવામાં આવ્યો હતો અને બીજો કેસ આજે SOGની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પહેલા કેસમાં 120 છોડ જેનું વજન 471 કીલો 800 ગ્રામ જેની કિંમત 2,33,90,000 થાય છે. જેનો મુખ્ય આરોપી બાબુ મીઠાપરા કે જેના કસવાળી ગામના ખેતરમાં તુવેરના વાવેતરમાં અંદર આ ગાંજાના છોડ મળી આવ્યા હતા.
વધુમાં જણાવ્યું કે, જ્યારે બીજા કેસમાં કુલ 550 છોડ, જેનું વજન 3036 કિલો 800 ગ્રામ જેની કિંમત રૂ. 15,18,40,000 મળી કુલ રૂ. 18 કરોડથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસ પણ કસવાળી ગામના ખેતરમાં થયો છે, જેનો મુખ્ય આરોપી સંજય ભોપાભાઇ છે, આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.
વધુમાં જણાવ્યું કે, આ લોકો એના બીજ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કેવી રીતે એનું વાવેતર કરવામાં આવતું હતું એની તપાસ હાલમાં ચાલુ છે. બંને પોલીસ ટીમો દ્વારા ખુબ જ સરસ કામગીરી કરવામાં આવી છે. આ બંને ટીમોને રૂ. 5100-5100નું ઇનામ પણ આપવામાં આવશે. આ લોકો છોડ પર ગાંજો આવ્યા બાદ એને વેચવાનું કામ કરે છે. આ વિસ્તારમાં વારંવાર રેડ કરીને પોલીસને ગાંજાના વાવેતરના દરોડામાં સફળતા મળી છે, અને એની આગળની તપાસ હાલમાં ચાલુ છે.


