– વધતી યુએસ બોન્ડ યીલ્ડ અને ચુસ્ત સેન્ટ્રલ બેંકની નીતિઓથી વૈશ્વિક ઇક્વિટી બજારોમાં સેન્ટિમેન્ટ બદલાયુ: ક્રિસ્ટોફર વુડ
Updated: Oct 22nd, 2023
મુંબઈ : ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં વધારો થવાથી વૈશ્વિક નાણાકીય બજારો સંપૂર્ણપણે પ્રભાવિત છે. જો કે આ કટોકટીની વધુ ઊંડી અસર જોવાની બાકી છે તેમ રોકાણકારોને મોકલવામાં આવેલા ગ્રીડ એન્ડ ફિયર રિપોર્ટમાં, જેફરીઝ ખાતે ઇક્વિટી વ્યૂહરચનાના વૈશ્વિક વડા ક્રિસ્ટોફર વૂડે જણાવ્યું હતું.
વૂડના મતે, નાણાકીય બજારના દ્રષ્ટિકોણથી મધ્ય પૂર્વમાં વર્તમાન વિકાસની મહત્વની બાબત એ છે કે ગાઝા પર ગ્રાઉન્ડ એટેક વિશે વધતી જતી ચર્ચાઓ છતાં, હજી સુધી આવો હુમલો થયો નથી. બીજો મહત્વનો મુદ્દો સાઉદી અરેબિયા તરફથી સતત મૌન છે,
આવા કારણોસર, વુડ માને છે કે ઇઝરાયેલ પર ગાઝામાં ન જવા માટે પડદા પાછળનું દબાણ કરવામાં આવી રહ્યું છે, પછી ભલે તે યુ.એસ., રિયાધ અથવા અન્ય જગ્યાએથી હોય.
આ ઘટનાક્રમને કારણે ક્ડ ઓઈલના ભાવમાં ઝડપથી વધારો થયો છે. તેલના ભાવ હાલમાં પ્રતિ બેરલ ૯૪ ડોલર આસપાસ છે, જે પખવાડિયા પહેલા ૮૪ ડોલર કરતા લગભગ ૧૨ ટકા વધારે છે.
વધતી જતી બોન્ડ યીલ્ડ (ખાસ કરીને યુએસ ૧૦-વર્ષની બોન્ડ યીલ્ડ, જે ૫ ટકાના સ્તરે ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે) અને ચુસ્ત સેન્ટ્રલ બેંકની નીતિઓ સાથે ભારત અને વિવિધ વૈશ્વિક ઇક્વિટી બજારોમાં સેન્ટિમેન્ટ બદલાયું છે.
વર્તમાન પરિસ્થિતિમાં, વિશ્લેષકોએ રોકાણકારોને પશ્ચિમ એશિયાના વિકાસ પર પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ‘રાહ જુઓ અને જુઓ’નો અભિગમ અપનાવવાની સલાહ આપી છે. રોકાણકારોને મિડકેપ અને સ્મોલકેપ પીઅરને બદલે લાર્જકેપને વળગી રહેવા અને ડિપ્સ પર ખરીદીની વ્યૂહરચના અપનાવવાનું સૂચન કરે છે.