- 100 વર્ષથી છે પરંપરા
- મારૂતિ યજ્ઞનું કરાયું આયોજન
- પાતળિયા હનુમાન મંદિર ખાતે કાર્યક્રમ
લખતરમાં પાતળિયા હનુમાન મંદિર ખાતે આજે કાળી ચૌદસ નિમિત્તે હનુમાનજીનો મારૂતિ યજ્ઞ આયોજવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અહીં છેલ્લા 100 વર્ષથી આ યજ્ઞને સતત દર વર્ષે કાળી ચૌદસના દિવસે યોજવામાં આવે છે. આ 100 વર્ષથી પણ વધુ સમયથી એક જીવતી પરંપરા છે. જેનું પાલન કરવામાં આવે છે.
લખતરના પારજીયા અને આડી પરિવાર દ્વારા પાતળિયા હનુમાન મંદિર ખાતે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, આ યજ્ઞને લઈને એવી માન્યતા છે કે અહીં પાતળિયા હનુમાન મંદિર ખાતે ભક્તો દ્વારા દંડવત પ્રણામ કરી બાધાઓ પૂરી કરવામાં આવતી હોય છે. મહત્વનું છે કે દર વર્ષે દિવાળી તહેવારના દિવસોમાં અહીં લખતર પાતળિયા હનુમાનજી મંદિર ખાતે આ મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. નોંધનીય છે કે અહીં ઘણાં દર્શનાર્થીઓ ચાલીને અથવા વાહનોમાં આવીને પહોંચે છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

લખતર ખાતે આવેલા 100 વર્ષથી પ્રાચીન પાતળિયા હનુમાનજીના મંદિર ખાતે છેલ્લા 100 વર્ષથી પણ વધુ સમયથી દિવાળીના દિવસોમાં હનુમાન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. હાડી અને પારેજીયા પરિવારના કુળદેવતા તરીકે આ હનુમાનજી પૂજાય છે. જેમાં ચાલુ વર્ષે પણ આ પરિવાર દ્વારા હનુમાન યાગની પરંપરા જાળવી રાખવા માટે ધનતેરસના દિવસે મંદિરના પટાંગણમાં હનુમાન યાગનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં વહેલી સવારે હનુમાન યાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ દિવસ દરમ્યાન હનુમાન પૂજન, મારૂતિ યજ્ઞા, મહાપૂજા, શોભાયાત્રા સાથે ધ્વજારોહણ, યજ્ઞાની પૂર્ણાહુતિ, મહાપ્રસાદ અને રાત્રિના સમયે રામધૂન, સંતવાણી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જયારે કાળી ચૌદસની વહેલી સવારે ચાર વાગ્યે પાતળીયા દાદાની મહા આરતી બાદ પારેજીયા અને હાડી પરિવાર દ્વારા દાદાને તલનો રોડ ચડાવવામા આવે છે. વર્ષો પહેલા હાડી પરિવારના સભ્યને તલની અંદર ખાંડ ભેળવીને પ્રસાદી ખાઈ લેતા તે દિવસથી આ બન્ને પરિવારને કર રૂપી પીસેલા તલ આપવામાં આવે છે અને હાડી પરિવાર દ્વારા ખાંડ આપીને બંનેને મિશ્રણ કરીને પ્રસાદી રૂપે દાદાને રોડ ચડાવવામાં આવે છે. આ રોડની પ્રસાદી પરિવારના લોકો દ્વારા વહેંચવામાં નથી આવતી પરંતુ લૂંટીને લેતા હોય છે. જેનું એક અનેરૂં મહત્વ જોવા મળે છે. આયોજન સફળ બનાવવા માટે પાતળિયા હનુમાન મંદિરના ટ્રસ્ટીઓ અને બન્ને પરિવાર જોડાયા હતા.


