- મરિયમ નવાઝ શરીફ બન્યા પંજાબ પ્રાંતના પહેલા મહિલા મુખ્યમંત્રી
- વિધાનસભામાં આપેલા ધારદાર ભાષણમાં આપ્યા અનેક વચનો
- મરિયમની યોજનાઓની પીએમ મોદીના આર્થિક મોડલ સાથે સરખામણી
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઇતિહાસ રચતાં મરિયમ નવાઝ શરીફે તાજેતરમાં જ પહેલા મુખ્યમંત્રી બન્યા છે. પદભાર સંભાળતાની સાથે જ મરિયમે વચન આપતા કહ્યું હતું કે તેઓ પંજાબને ઘણા આગળ લઈ જવા ઈચ્છે છે. તેમણે પોતાના વચન પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. જોકે, તેઓ જે પ્લાન હેઠળ કામ કરી રહ્યા છે તેની સરખામણી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ સાથે કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનથી દેશનિકાલ કરવામાં આવેલ માનવાધિકાર કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ મરિયમના વિકાસ મોડલની સરખામણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ સાથે કરી છે. મિર્ઝાનું માનવું છે કે સ્માર્ટ શહેર, આર્થિક ગતિવિધિઓ, રોડ સુવિધા, ખેડૂતો માટે બજાર અને સામાન્ય લોકો માટે ઉચ્ચ સ્વાસ્થ્ય વ્યવસ્થા જેવી જે કોઈપણ તેમના તરફથી પહેલ કરવામાં આવી રહી છે તે તમામ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક મોડલને મળતું આવતું હોય તેમ દેખાઈ રહ્યું છે.
મરિયમ પંજાબને બનાવવા માંગે છે આર્થિક હબ
મુખ્યમંત્રીનું પદ સંભાળ્યા બાદ મરિયમ નવાઝ શરીફે પંજાબ પ્રાંત વિધાનસભામાં જોરદાર ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે પોતાની વિકાસ યોજના લોકો સમક્ષ રજૂ કરી હતી. મરિયમે વિધાનસભામાં કહ્યું કે તેઓ પંજાબને આર્થિક હબ બનાવવા માંગે છે. જેની નીતિઓ પર તે લાંબા સમયથી કામ કરી રહ્યા છે.


