તુર્કીમાં સ્કી રિસોર્ટ હોટલમાં લાગેલી આગમાં 66 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોટલમાં લગભગ 234 મહેમાનો રોકાયા હતા ત્યારે આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઉત્તરપશ્ચિમ તુર્કીમાં સ્થિત એક સ્કી રિસોર્ટ હોટલમાં સોમવારે મોડી રાત્રે આગ ફાટી નીકળતાં 66 લોકોનાં મોત થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે આગ બોલુ પ્રાંતના કારતલકાયા રિસોર્ટમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટમાં લાગી હતી. ટેલિવિઝન પર દેખાતા આગના વિઝ્યુઅલમાં હોટલની છત અને ઉપરના માળે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
લોકો ગભરાઈને ઈમારત પરથી કૂદી પડ્યા
રાજ્ય સંચાલિત અનાદોલુ સમાચાર એજન્સીએ ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિનને ટાંકીને જણાવ્યું હતું કે બે લોકો ગભરાટમાં બિલ્ડીંગ પરથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. પ્રાઈવેટ ‘એનટીવી ટેલિવિઝન’એ પોતાના સમાચારમાં જણાવ્યું કે કેટલાક લોકોએ ચાદરની મદદથી પોતાના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો. અયદિને જણાવ્યું કે હોટલમાં 234 મહેમાનો રોકાયા હતા.
હોટલમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ
હોટલના સ્કી પ્રશિક્ષક નેક્મી કેપસેતુતાને જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે તે સૂતો હતો. ઘટના બાદ તે બિલ્ડિંગની બહાર ભાગી ગયો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે તેણે પછી હોટલમાંથી લગભગ 20 મહેમાનોને બહાર કાઢવામાં મદદ કરી. હોટલ ધુમાડાથી ભરેલી હતી, જેના કારણે મહેમાનોને આગમાંથી બચવાનો રસ્તો શોધવો મુશ્કેલ બન્યો હતો.


