- જ્યાં નવરાત્રિમાં બંદૂકથી દેવીને સલામી આપવામાં આવે છે
- નર્તિયાંગના આ મંદિરમાં કરવામાં આવતી પારંપરિક પૂજાને જોવા દેશભરમાંથી લોકો આવે છે
ભારતમાં અનેક શક્તિપીઠ આવેલી છે. આ તમામ શક્તિપીઠોનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે. દરેક શક્તિપીઠની પોતાની પ્રાચીન કે પૌરાણિક કથા છે જેને જાણીને ભક્તજનો ધન્ય થઇ જાય છે. ભારતના મેઘાલય રાજ્યમાં પણ એક શક્તિપીઠ આવેલી છે જ્યાં મા દુર્ગાનું મંદિર આવેલું છે.
મેઘાલયના પશ્ચિમમાં જયંતિયાના પહાડો પર આવેલું મા દુર્ગાનું આ મંદિર ભારતભરમાં આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જેને નર્તિયાંગના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાના જણાવ્યા પ્રમાણે જ્યારે માતા સતીએ તેમનો દેહત્યાગ કર્યો હતો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ તેમના સુદર્શનચક્રથી માતાના શરીરના ઘણા ભાગ કર્યાં હતા, આ દરમિયાન માતાની જમણી જાંઘ અહીં પડી હતી. ત્યારબાદ અહીં શક્તિપીઠની વિધિવત્ સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર વિશે એમ પણ કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ અંદાજિત 600 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. મા દુર્ગાનું નિર્માણ જયંતિયા સામ્રાજ્યના શાસનકાળમાં મહારાજ ધન માણિક્યએ કરાવ્યું હતું. રાજાએ આ મંદિરનું નિર્માણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરાવ્યું હતું. એક વાર તેમને રાત્રે સપનામાં માતાએ નર્તિયાંગમાં મા દુર્ગાનું મંદિર સ્થાપવાનો આદેશ આપ્યો હતો. તેમજ સાથે સાથે ભૈરવ મંદિરનું પણ નિર્માણ કરવાનું રાજાને જણાવવામાં આવ્યું હતું તેથી રાજાએ આગળના દિવસે સવારે જ મા દુર્ગા અને ભૈરવ મંદિરનું વિશાળ મંદિર બનાવવા માટેનું આહ્વાન કર્યું હતું. તેમની આજ્ઞાનું પાલન કરીને તેમના સેવકો મંદિર નિર્માણ માટે લાગી ગયા હતા.
મા દુર્ગાના મંદિરમાં ભગવાન ભૈરવ પણ છે
નર્તિયાંગના દુર્ગાના મંદિરની ખાસિયત એ છે કે અહીં મા દુર્ગાને માતા જયંતિ કે જેઓને જયંતેશ્વરીના રૂપમાં પૂજવામાં આવે છે. તેમજ તેમની સાથે ભગવાન ભૈરવને કામદીશ્વર મહાદેવના રૂપમાં પણ પૂજવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મંદિરમાં જયંતિયા રાજના ખૂબ જ જૂનાપુરાણાં કહેવાતાં અસ્ત્ર-શસ્ત્રો પણ અહીં સંગ્રહી રાખવામાં આવ્યાં છે. એક અહેવાલ પ્રમાણે પશ્ચિમ જયંતિયા પહાડો પર વસેલું નર્તિયાંગ લાંબા સમય સુધી જયંતિયા રાજની ઉનાળાની રાજધાની પણ રહેલી છે. જયંતિયા સમાજના સ્થાનીય લોકોનું એવું માનવું છે કે નર્તિયાંગનું આ દુર્ગા મંદિર ભગવતી જયંતેશ્વરીનું સ્થાયી નિવાસસ્થાન પણ છે! અહીં મંદિરમાં કરવામાં આવતી નવરાત્રિની પૂજા અને રાજપુરોહિત પરંપરા સૌથી વિશેષ ગણાય છે.
નવરાત્રિની પારંપરિક પૂજા
નર્તિયાંગના આ મંદિરમાં કરવામાં આવતી પારંપરિક પૂજાને જોવા દેશભરમાંથી લોકો આવે છે. નવરાત્રિના સમયે મંદિરનો પુષ્પ શણગાર જોવાલાયક હોય છે. દૂરથી જ મંદિરનો શણગાર જોઈને ભક્તજનો પ્રસન્ન થઈ જાય છે. તેઓ દૂરથી જ જાણે માતાજી દર્શન આપી રહ્યાં હોય એવું અનુભવે છે. આ મંદિરમાં ખાસ કરીને ગલગોટાનાં ફૂલનો તેમજ કેળના ઝાડનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. ગલગોટાના શણગારને મા દુર્ગાના રૂપ તરીકે પણ માનવામાં આવે છે. આ મંદિરમાં કુલ ચાર દિવસ માટે દુર્ગોત્સવ મનાવવામાં આવે છે. નવરાત્રિના ષષ્ઠિ તિથિથી નવમી તિથિ સુધી ચાલનારા આ ધાર્મિક તહેવારના અંતમાં દેવી સ્વરૂપ કેળાંના ઝાડ પાસે આવેલી મયતાંગ નદીમાં વિસર્જિત કરી દેવામાં આવે છે.
મા દુર્ગાને બંદૂક દ્વારા સેલ્યૂટ
આ મંદિરમાં નવરાત્રિ મહોત્સવને ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે. નવરાત્રિનો આરંભ થતાની સાથે જ મા દુર્ગાને બંદૂક દ્વારા સેલ્યૂટ પણ કરવામાં આવે છે. મા દુર્ગાને જ્યારે બંદૂક દ્વારા સેલ્યૂટ કરવામાં આવે છે ત્યારે તેને જોવા માનવમેદની ઉભરાય છે.
મંદિરમાં રાજપુરોહિતનું વિશેષ મહત્ત્વ
નર્તિયાંગના આ મંદિરમાં રાજપુરોહિતની મહત્ત્વની ભૂમિકા મહારાષ્ટ્રનો ક્ષત્રિય દેશમુખ પરિવાર પેઢી દર પેઢીથી નિભાવતો આવ્યો છે. હાલમાં જેઓ રાજપુરોહિત તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે તે તેમના પરિવારની અંદાજિત 30મી કે 31મી પેઢી છે. મેઘાલયમાં વસતા હિન્દુ સમાજ માટે આ મંદિર ખૂબ જ પવિત્રતા ધરાવે છે અને તેમના માટે આ મંદિર તેમની સંસ્કૃતિ, સ્થાનિક ઓળખ ઉપરાંત રીતિ-રિવાજોનું મહત્ત્વ ધરાવતું પ્રતીક પણ છે. તેમના માટે આ મંદિર જ સર્વસ્વ છે.
કેવી રીતે પહોંચશો?
નર્તિયાંગ મંદિર ઊંચા પહાડો પર આવેલું હોવાથી અહીં આસપાસ કોઈ એરપોર્ટ કે રેલવે સ્ટેશન નથી. જોકે, અહીંથી થોડા અંતરે આવેલું એરપોર્ટ શિલોંગમાં છે, જે અંદાજિત 67થી 70 કિમી.ના અંતરે આવેલું છે. જ્યારે અહીંથી નજીક આવેલું રેલવે સ્ટેશન મેંદીથાપર છે, જે મંદિરથી અંદાજિત 285 કિમી. આસપાસ છે. જોકે, અહીં સડકમાર્ગથી મંદિર સુધી પ્રાઇવેટ કે ખાનગી વાહનો દ્વારા ખૂબ જ સરળતાથી પહોંચી શકાય છે.