ધર્મપરાયણ પ્રત્યેક વ્યક્તિ પરમ શ્રદ્ધા અને અનન્ય ભક્તિભાવનાથી પોતાના ઈષ્ટદેવની આરાધના-ઉપાસના કરે છે. વિશેષ પરિસ્થિતિમાં પોતાની મનોકામનાઓની પરિપૂર્તિ માટે એ આર્યમનિષિઓએ પ્રબોધેલાં અને વિવિધ ધાર્મિક ગ્રંથોમાં નિરૂપેલાં ધાર્મિક વ્રતો અને ઉત્સવોનું આચરણ પણ કરે છે. એટલે વ્રતો અને ઉત્સવો ધાર્મિક પરંપરાનાં અપરિહાર્ય અંગ બની રહ્યાં છે. ધર્મશાસ્ત્ર સૂચિત ભિન્ન વ્રતોનું આચરણ અને ઉત્સવોની ઉજવણી વિવિધ ફળની પ્રાપ્તિઅર્થે સવિશેષ પ્રયોજનથી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાપનાશ, પુણ્યવૃદ્ધિ તથા દારિદ્ર, વ્યાધિ, ઋણ અને કોઈ પણ પ્રકારના બંધનના નાશ માટે અને અનેક ઉપદ્રવોની શાંતિઅર્થે હોય છે. ઉપરાંત સૌભાગ્ય, સમૃદ્ધિ, સંપદા, ધનધાન્ય, પુત્ર-પૌત્ર, આરોગ્ય, દીર્ઘાયુષ અને વિજય આદિની પ્રાપ્તિ સહિત અંતરિક્ષ અને ભૌમ ઉત્પાતોના શમન માટે તેમજ દેવ વિશેષની પ્રીતિઅર્થે પણ વ્રતો અને ઉત્સવોનું આચરણ કરવામાં આવ્યું છે. આવો જ એક ઉત્સવ છે શાકંભરી નવરાત્રિ. માતા શાકંભરીની કૃપાથી જ આપણું પોષણ થાય છે.
માતા શાકંભરી : જેમની કૃપાથી ધરતી પર શાક ઊગ્યાં
દક્ષિણ ભારત સહિત અન્ય વિવિધ પ્રાંતોમાં વિશેષ ઊજવાતો એવો `શાકંભરી દેવી ઉત્સવ’ પણ દેવી આરાધનાનો એક પ્રકાર જ છે
અસત્ય પર સત્યના વિજયના ઉત્સવ તરીકે (રામ-રાવણના સંદર્ભમાં) `દશેરા’નો ઉત્સવ ઊજવાય છે. નવરાત્રિનાં પર્વો દ્વારા શક્તિસાધનાનાં વ્રતો કરવામાં આવે છે. આ અને આવાં અનેક વ્રતો અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી દ્વારા દૈવી શક્તિઓનું પોતાનામાં અવતરણ કરવાની મહેચ્છા લોકો સેવે છે.
સહસ્ત્ર વર્ષ પૂર્વે પ્રગટેલી આ ધાર્મિક પરંપરાનો પોતે અવિભાજ્ય અંશ છે એમ ધર્મપ્રેમી પ્રત્યેક ભારતીય માને છે તથા પરંપરાથી ઊતરી આવેલી ધાર્મિક વિધિઓને પોતે અનુસરે છે. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરે છે અને ધાર્મિક પ્રસંગો, વ્રતો અને ઉત્સવોની ઉજવણીમાં સહર્ષ સહભાગી બને છે. ધર્મ, શાસ્ત્રસૂચિત દેવી-દેવતાઓનાં નામો અનેક છે. છતાં મૂળભૂત રીતે જોઈએ તો તે બ્રહ્મતત્ત્વ-શક્તિતત્ત્વ તરીકે એક જ છે. અખિલ બ્રહ્માંડમાં શક્તિ સ્વરૂપે બિરાજતાં મા `આદ્યશક્તિ’ પણ અનેક નામોથી પ્રચલિત છે. દૈવી વ્રત હોય કે સંલગ્ન ઉત્સવ જુદાં જુદાં સ્વરૂપે તેમની આરાધના-ઉપાસના થાય છે.
દક્ષિણ ભારત સહિત અન્ય વિવિધ પ્રાંતોમાં વિશેષ ઊજવાતો એવો `શાકંભરી દેવી ઉત્સવ’ પણ દેવી આરાધનાનો એક પ્રકાર જ છે જેની સાથે જોડાયેલી ધાર્મિક કથા કંઈક આ પ્રકારની છે. પ્રાચીનકાળમાં દુષ્કાળ પડવાથી ઋષિમુનિઓએ શક્તિ સ્વરૂપ દેવીમાની આરાધના કરી. જેના કારણે સૃષ્ટિ પર ચમત્કારિક રીતે અત્ર-તત્ર-સર્વત્ર વરસાદ પર્યાપ્ત સ્વરૂપે પડ્યો, પર્જન્ય વૃષ્ટિ થઇ અને પ્રાણીમાત્રના શીઘ્ર પોષણ માટે શક્તિકૃપા થકી સર્વપ્રથમ ધરતી પર ચોતરફ ભિન્ન ભિન્ન પ્રકારનું શાક જ ઊગ્યું.
જે માનવજીવન-સૃષ્ટિ માટે નવજીવન દાતા બની રહ્યું. સર્વત્ર શક્તિનો સંચાર થયો હોય તેમ લોકોએ પણ આ ઊગેલાં શાકને માનો પ્રસાદ માની ગ્રહણ કર્યું. સૃષ્ટિ પર શાક ઉગાડી, નવજીવન બક્ષી દુષ્કાળના ભયને માએ દૂર કરી નાખ્યો. સમયાંતરે આ પ્રકારે કૃપાવંત બનેલાં દેવીને લોકો `શાકંભરી દેવી’ તરીકે ઓળખવા લાગ્યાં અને એક ઉત્સવના સ્વરૂપે જાણે કુળધર્મ નિભાવતાં હોય તે રીતે તેની ઉજવણી કરવા લાગ્યાં.
`શાકંભરી દેવી-ઉત્સવ’ પોષ સુદ-8 (દુર્ગાષ્ટમી)થી પ્રારંભ કરી પોષ સુદ પૂર્ણિમાપર્યંત ઊજવવામાં આવે છે. જેમાં, પોષ સુદ-8 દુર્ગાષ્ટમીના દિવસે આ દેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને ભક્તિ શ્રદ્ધાપૂર્વક `માઈભક્તો’ મા શાકંભરીની, નવરાત્રિ પર્વની જેમ જ વિધિવત્ ઘટસ્થાપના સમન્વિત મૂર્તિ, યંત્ર વગેરેની સ્થાપના કરી યથાશક્તિ પૂજા, આરાધના કરી સવાર-સાંજ માનાં ગુણગાન ગાતાં માતાજીને વિવિધ ભોગ-નૈવેદ્ય ધરાવી આરતી ગાઈ પુષ્પાંજલિપૂર્વક પ્રાર્થના અને અંતે પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી ધન્યતા અનુભવે છે. ધર્મપ્રેમી પરિવારોમાં માતાજીના અખંડ દીપનું પણ સ્થાપન કરવામાં આવે છે. ઘણા પરિવારોમાં તેલ અને ઘીના બંને અલગ દીપનું સ્થાપન પણ કરવામાં આવે છે.
આ ઉત્સવમાં માને ધરાવવામાં આવતા પ્રસાદ (નૈવેદ્ય)ની વિશેષતા અને વિશિષ્ટતા એ છે કે, તેમાં માતાજીને ઋતુકાળ પ્રમાણે ઉત્પન્ન થયેલાં અને પ્રાપ્ય એવાં વિવિધ શાકનો ભોગ ધરાવવામાં આવે છે અને દુષ્કાળના ભયથી સમગ્ર સૃષ્ટિનું મા રક્ષણ કરી સદાય કલ્યાણ કરે એવા મનોરથ સેવવામાં આવે છે.
પૂજન-આરાધના માટે વિધિવિધાન
શાસ્ત્રવિદ્, વાણી, વર્તન અને વ્યવહારથી પવિત્ર-સુપાત્ર અધિકારી આચાર્યના માર્ગદર્શન અનુસાર `મા શાકંભરી’નું સ્થાપન, પૂજન, અર્ચન, જપ-અનુષ્ઠાન વગેરે થઈ શકે છે.
માની ઉપાસનાનો મંત્ર
`ઓમ્ હ્રીં શાકંભરી દૈવ્યે નમઃ’
યા દેવી સર્વભૂતેષુ, દયારૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તયૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।
શાકંભરી માતાનાં મંદિરોનું વિશેષ મહત્ત્વ
શાકંભરી દેવીનાં મોટાં મંદિરોમાં રાજસ્થાન સાકારાઈમાં આવેલું શાકંભરી મંદિર, બદામીમાં અને બેંગ્લુરુમાં બનાશંકરી અમ્મા મંદિરનો સમાવેશ થાય છે. (બંને કર્ણાટક રાજ્યમાં છે) ભારતના અન્ય ભાગોના પણ માતા શાકંભરીનાં ઘણાં મંદિરો આવેલાં છે. જેમ કે, મહારાષ્ટ્રના વગેવાડી, સતારા પાસે કંબોજ, સહારનપુર ઉત્તર પ્રદેશ પાસે શાકંભરી દેવી અને રાજસ્થાનના સંભારમાં. એક દંતકથા પ્રમાણે આશરે 2500 વર્ષ પહેલાં દેવી શાકંભરીએ ત્યાંના લોકોને સાંભર નામનું મીઠાનું તળાવ (સોલ્ટ લેક) આપ્યું હતું. તેમના માનમાં એક નાનું શ્વેતમંદિર તળાવની મધ્યે ડૂબેલા એક પર્વત પર છે. આ મંદિર 200 વર્ષથી પણ જૂનું છે. દેવી શાકંભરીના નિવાસ તરીકે ઓળખાતા શક્તિપીઠ શાકંભરી ઉત્તર પ્રદેશના સહારનપુરની ઉત્તર તરફ 40 કિમી. દૂર આવેલા જસમોર ગામમાં આવેલું છે. આ મંદિર મરાઠાના શાસન દરમિયાન શિવાલિક પર્વતમાળાની વચ્ચે બંધાયું છે.