ભારતની ઉત્તર-પૂર્વી સીમા પર આવેલું ત્રિપુરા ભારતનું ત્રીજું સૌથી નાનું રાજ્ય છે. જ્યાં ત્રિપુર સુંદરી માતાનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં માતા ત્રિપુર સુંદરીનાં દર્શનાર્થે આસપાસ રાજ્યના ભક્તો પણ શ્રદ્ધાભેર આવે છે. આ મંદિરનો સમાવેશ 51 શક્તિપીઠોમાં કરવામાં આવે છે. માતાજી ત્રિપુર સુંદરીના નામ પરથી જ રાજ્યનું નામ ત્રિપુરા પડ્યું છે. ભક્તો અહીં વાર-તહેવારે જ નહીં, પરંતુ વારંવાર દર્શનાર્થે આવે છે.
માતાનું નામ ત્રિપુર સુંદરી જ કેમ?
એક ધાર્મિક માન્યતા પ્રમાણે માતાને ત્રિપુર સુંદરી એટલા માટે કહેવામાં આવે છે કે, ત્રણેય લોકોમાં તેમનાથી અતિ સુંદર કોઈ જ નથી. ઉપરાંત કામાખ્યા મંદિરની સાથેસાથે માતા ત્રિપુર સુંદરીનું મંદિર પણ તંત્રસાધના માટે જાણીતું છે. નોંધનીય છે કે, અહીંના સ્થાનિકો ત્રિપુર સુંદરી મંદિરને માતાબાડી તરીકે પણ સંબોધે છે. આ મંદિરનું મહત્ત્વ ઉપરાંત મંદિરની મોટાભાગની વાતોને પાંડુલિપિમાં પણ દર્શાવવામાં આવી છે.
આ રીતે બની માતા દુર્ગાજીની શક્તિપીઠ
એક વાર રાજા દક્ષ યજ્ઞ કરતા હતા જેમાં તેમણે જમાઈ ભગવાન શિવને અને પુત્રી સતીને આમંત્રણ આપ્યું નહોતું. આ દરમિયાન માતા સતી યજ્ઞમાં જવા માંગતાં હતાં, પરંતુ ભગવાન શંકરના ના કહેવા છતાં પણ માતા સતી યજ્ઞમાં ચાલ્યાં ગયાં. અહીં રાજા દક્ષે સતી માતાની સામે જ મહાદેવજીનું ઘોર અપમાન કર્યું. માતા સતી પોતાના પતિ ભગવાન શંકરનું અપમાન સહન ન કરી શક્યાં અને તેમણે યજ્ઞકુંડમાં પોતાની જ આહુતિ આપી દીધી અને અહીંથી તેમની સતીથી શક્તિ બનવાની કથા શરૂ થાય છે. ભગવાન શંકરે સતીએ પોતાની જાતને જ યજ્ઞમાં સમાવી લીધાના સમાચાર સાંભળતા વીરભદ્રને મોકલ્યા અને વીરભદ્રે દક્ષનું ગળું કાપી નાખ્યું. યજ્ઞ નષ્ટ થયા બાદ મહાદેવજી સતીના મૃતદેહ સાથે સમગ્ર બ્રહ્માંડમાં ચાલવા લાગ્યા. આ સમયે ભગવાન વિષ્ણુએ મહાદેવજીનો મોહભંગ કરવા સુદર્શનચક્રથી માતા સતીના શરીરના ટુકડા કર્યા અને આ ટુકડા જ્યાં જ્યાં પડ્યા તે શક્તિપીઠ તરીકે ઓળખાવા લાગ્યા. કહેવાય છે કે માતા સતીનો જમણો પગ અહીં પડ્યો હતો. અહીં તેમની સાથે ભૈરવના રૂપમાં મહાદેવજી પણ બિરાજમાન થયા.
આ પીઠ કૂર્મપીઠ નામથી પ્રચલિત છે
ભગવતી ત્રિપુર સુંદરીને દસ મહાવિદ્યાઓમાંથી એક સૌમ્ય કોટિની માતા તરીકે ઓળખવામાં આવે છે. માતાનું આ મંદિર રાજ્યના ઉદયપુર(પહેલાં તે રંગમતી નામથી ઓળખાતું હતું) ના પહાડો પર આવેલું છે. આ મંદિર ભારતની 51 મહાપીઠ પૈકીનું એક છે. અહીં સતી માતાજીનો જમણો પગ પડ્યો હતો. ઉપરાંત અહીં માતા ભગવતીને ત્રિપુર સુંદરી અને તેમની સાથે બિરાજમાન ભૈરવજીને ત્રિપુરેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાની આ પીઠ કૂર્મપીઠ તરીકે પણ ઓળખાય છે. તંત્રસાધના માટે આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે અને મંદિરમાં તાંત્રિકોની હાજરી પણ જોવા મળતી હોય છે. અહીં માતાના આશીર્વાદ પામવા શ્રદ્ધાળુઓ અને પોતાની સાધના પૂર્ણ કરવા માટે સાધકો તેમની પૂજા-અર્ચના કરવા માટે આવતા હોય છે.
15મી સદીમાં મંદિરનું નિર્માણ
માતાના આ મંદિરનું નિર્માણ મહારાજા ધન માણિક્યએ 15મી સદીમાં કરાવ્યું હતું. એક ધાર્મિક માન્યતા પ્રમાણે રાજાએ આ મંદિરનું નિર્માણ ભગવાન વિષ્ણુ માટે કરાવ્યું હતું, પરંતુ મહામાયાએ રાજેને સપનામાં મંદિરનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ રાજાને કહેવામાં આવ્યું કે તેઓ તેમની મૂર્તિને ચિતૌંગથી આ સ્થાન પર રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ રાજાએ માતા ત્રિપુર સુંદરીની વિધિસર પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. અહીં દરરોજ ભક્તજનો પોતાની બાધા-માનતા પૂરી કરવા માટે આવે છે. સૌથી વધારે ભક્તજનો અહીં નવરાત્રિના મહિનામાં જોવા મળે છે. નવરાત્રિમાં મંદિરને ખૂબ જ અલગ રીતે શણગારવામાં આવે છે. મંદિરના શણગાર જોઇને ભક્તો ભાવવિભોર થઇ જાય છે.
મંદિર અને મૂર્તિની બનાવટ
માતા ત્રિપુર સુંદરીની મૂર્તિ એક ખાસ પ્રકારના પથ્થરથી બનાવવામાં આવી છે. મંદિરમાં દર્શાવેલી પાંડુલિપિમાં જણાવ્યા પ્રમાણે માતાજીની પ્રતિમા સિલ્હટ (ત્યારનું જયંતિયા રાજ અને હાલનું બાંગ્લાદેશ)માં કોતરવામાં આવી હતી. નોંધનીય છે કે જયંતિયા મહારાજ ધન માણિક્યના રાજ્ય ક્ષેત્રમાં મેઘાલય, ત્રિપુરા સિવાય બાંગ્લાદેશનું સિલ્હટ જયંતીપુર ક્ષેત્રમાં સામેલ હતું. સને 1501 દરમિયાન બનેલા આ મંદિરનું નિર્માણ બંગાળી વાસ્તુશૈલી એકરત્નમાં કરવામાં આવ્યું હતું. જે પહાડ પર આ મંદિર આવેલું છે તેનો આકાર કાચબાની પીઠ જેવો છે તેથી તેને `કૂર્મ પીઠ’ કહેવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં કાળા ગ્રેનાઇટ પથ્થરથી નિર્માણ પામેલી બે પ્રતિમાઓ છે. અંદાજિત પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતી એક મૂર્તિ માતા ત્રિપુર સુંદરીની જ્યારે અંદાજિત બે ફૂટની અન્ય પ્રતિમાને `છોટો મા’ કહેવામાં આવે છે, આ પ્રતિમા માતા ભુવનેશ્વરીજીની છે.
માતા ત્રિપુર સુંદરીનાં કેટલાંક પ્રચલિત નામ
દેવી લલિતાને જ ભગવતી ત્રિપુર સુંદરી કહેવામાં આવે છે. દેવી લલિતા માહેશ્વરી શક્તિની વિગ્રહવાળી શક્તિ છે અને તેમનાં ત્રણ નેત્ર છે. માતાજીના ચાર હાથમાં પાશ, અંકુશ, ધનુષ અને બાણ જોવા મળે છે. જે તેમની શોભામાં વધારો કરે છે. આ સાથે જ તેમને જે અન્ય નામો તરીકે ઓળખવામાં આવે છે એ નામોમાં રાજરાજેશ્વરી, લલિતાગૌરી, લલિતામ્બિકા, લલિતા, લીલામતી, લીલાવતીનો સમાવેશ થાય છે. માતા ત્રિપુર સુંદરીને દેવી પાર્વતીનું તાંત્રિક સ્વરૂપ માનવામાં આવે છે. દેવી ભાગવતમાં જણાવવામાં આવ્યું છે કે, માતા ભગવતી વરદાન આપવા માટે સદા-સર્વદા તત્પર રહેતાં હોય છે અને તેઓ શ્રીવિગ્રહ સૌમ્ય અને હૃદય દયાથી પૂર્ણ છે. સંસારના તમામ તંત્ર-મંત્ર તેમની આરાધનાથી જ પૂર્ણ થાય છે. માતાજીના આશીર્વાદથી ભક્તોનાં સઘળાં દુઃખદર્દ દૂર થઇ જાય છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે વિમાન દ્વારા અહીં આવવા માંગતા હોવ તો ઉદયપુરનું સૌથી નજીકનું એરપોર્ટ અગરતલામાં આવેલું મહારાજા બીર બિક્રમ એરપોર્ટ છે. જે અહીંથી અંદાજે 59 કિમી. દૂર આવેલું છે. જ્યારે ઉદયપુરમાં રેલવે સ્ટેશન પણ આવેલું છે, જે લમડિંગ રેલવે ડિવિઝનમાં આવે છે. અહીંયાંથી આસામ અને ત્રિપુરાનાં મુખ્ય શહેરોથી રેલવે સુવિધા પણ ઉપલબ્ધ છે. ઉપરાંત જો તમે સડકમાર્ગે અહીં આવવા માંગતા હોવ તો ઉદયપુર, ત્રિપુરા અને આસામનાં કેટલાંક શહેરો સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય રાજમાર્ગ 8 પર આવેલું ઉદયપુર અન્ય શહેરો સાથે કનેક્ટેડ છે.