મહિલા અને બાળકોના પોષણયુક્ત રાશન માટે કાળજી લેતા સરકાર દ્વારા ૯૦ હજારથી વધુ પેકેટ અપાયા
રાજ્યની કિશોરીઓ, મહિલાઓ, બાળકોને કેલેરી, પ્રોટીન સૂક્ષ્મ પોષકતત્વો મળી રહે તે માટે રાજ્ય સરકારના આઇ.સી.ડી.એસ. શાખા અંતર્ગત સગર્ભાઓ, ધાત્રી માતાઓ, ૬ માસથી ૬ વર્ષ સુધીના બાળકોને સુપોષિત કરવા ‘ટેક હોમ રાશન(ટી.એચ.આર)’ યોજના અમલીકૃત કરી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં ડીસેમ્બર ૨૦૨૩માં ૯૦ હજારથી વધુ લાભાર્થીઓને માતૃ, પૂર્ણા અને બાલશક્તિના પેકેટ અપાયા છે. જેમાં માતૃશક્તિ યોજના અંતર્ગત ૧૭,૩૩૩ માતાઓને, ૩૧,૦૬૩ કિશોરીઓને પૂર્ણાશક્તિ યોજના અને ૪૨,૫૪૬ બાળકોને બાલશક્તિ યોજનાનો લાભ અપાયા છે. આ શક્તિ પેકેટનું ઉત્પાદન અમુલ જેવી પ્રતિષ્ડિત કંપની દ્વારા કરવામાં આવે છે
રાજકોટ જિલ્લાની આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા ટેક હોમ રાશન અંતર્ગત છ માસથી ત્રણ વર્ષના સામાન્ય બાળકોને ૩.૫ કિલોના સાત પેકેટ, છ માસથી ત્રણ વર્ષના અતિકુપોષિત બાળકોને ૫ કિલોના ૧૦ પેકેટ, ત્રણ થી છ વર્ષના અતિકુપોષિત બાળકોને ૨ કિલોના ૪ પેકેટ સહીત ડિસેમ્બર ૨૦૨૩માં ૪૨,૫૪૬ બાળકોને બાલશક્તિ પેકેટનો લાભ અપાયો છે. વર્ષ ૨૦૨૩ ડિસેમ્બર મહિનામાં માતૃશક્તિ યોજના અન્વયે સગર્ભા અને ધાત્રી માતાઓને ૪ કિલોના ૪ પેકેટ એમ જિલ્લાની ૧૭,૩૩૩ માતાઓને પુરક પોષણ સહાય અપાઈ હતી. ઉપરાંત સરકારશ્રી દ્વારા ‘સુપોષણયુક્ત ગુજરાત’નો સંકલ્પ સિદ્ધ કરવા માટે આઇ.સી.ડી.એસ. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ કાર્યરત ‘પૂર્ણાશક્તિ યોજના’ અંતર્ગત કિશોરીઓને ફૂડ પેકેટની સહાય અન્વયે રાજકોટ જિલ્લામાં ૩૧,૦૬૩ કિશોરીઓને ૪ કિલોના ૪ પૂરક પોષણ કીટ વિના મૂલ્યે અપાયા હતા.