- વર્લ્ડકપ 2023ની લીગ મેચ પૂર્ણ થઈ
- ભારત લીગ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ પર
- મેથ્યૂ હેડને ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની કરી પસંદગી
વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાની સાથે અન્ય ટીમોના ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના ત્રણ ખેલાડીઓની વાત કરીએ તો તેમાં ભારતના વિરાટ કોહલી, સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રનો સમાવેશ થાય છે. આ તમામ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડને ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની પસંદગી કરી છે. જેમાં તેમણે 5 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે.
રોહિતની ઓપનર તરીકે પસંદગી
હેડને ઓપનિંગ માટે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે ડી કોકની પસંદગી કરી છે. તેણે વિરાટ કોહલીને ત્રીજા નંબર પર રાખ્યો છે. ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્સમેન રચિન રવિન્દ્રને બેટિંગ માટે ચોથો નંબર આપવામાં આવ્યો છે. હેડને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને પાંચમા નંબરે રાખ્યો છે. તેણે આ ટીમમાં હેનરિક ક્લાસેન અને રવિન્દ્ર જાડેજાને પણ સ્થાન આપ્યું છે. સાથે માર્કો જાનસેન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને એડમ ઝમ્પા પણ ટીમનો ભાગ છે.
કોહલીએ વર્લ્ડકપમાં બનાવ્યા સૌથી વધુ રન
કોહલીએ આ વર્લ્ડકપની 9 મેચમાં 594 રન બનાવ્યા છે. ડી કોકે 9 મેચમાં 591 રન બનાવ્યા છે. રચિને 9 મેચમાં 565 રન બનાવ્યા છે. રોહિતે 9 મેચમાં 503 રન બનાવ્યા છે. મેક્સવેલની વાત કરવામાં આવે તો, મેક્સવેલે 7 મેચમાં 397 રન બનાવ્યા છે. એડમ ઝમ્પાએ બોલિંગમાં અજાયબી બતાવી છે. તે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. ઝમ્પાએ 9 મેચમાં 22 વિકેટ લીધી છે, જ્યારે બુમરાહે 9 મેચમાં 17 અને મોહમ્મદ શમીએ 5 મેચમાં 16 વિકેટ લીધી છે.
19 નવેમ્બરે ફાઈનલ મેચ રમવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટની બીજી સેમીફાઈનલ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 16 નવેમ્બરે રમવામાં આવશે. જે બાદ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમવામાં આવશે.


