- મેક્સવેલ છથી આઠ દિવસ કનકશન પ્રોટોકોલમાંથી પસાર થશે
- ગોલ્ફ કાર્ટની પાછળથી ઊતરતી વખતે પડી ગયો હતો
- કોચ ડોનાલ્ડે ઉમેર્યું હતું કે મેક્સવેલના વિકલ્પની જરૂર નથી
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ગોલ્ફ કાર્ટમાંથી ઊતરતી વખતે પડી જતાં તેને માથામાં ઈજા થઈ હતી અને તે ચોથી નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે રમાનારી મેચમાં રમી શકશે નહીં. મુખ્ય કોચ એન્ડ્રયુ ડોનાલ્ડે જણાવ્યું હતું કે ક્લબ હાઉસથી ટીમની બસ તરફ જતી વખતે મેક્સવેલ ગોલ્ફ કાર્ટની પાછળથી ઊતરતી વખતે પડી ગયો હતો.અને તેને માથામાં ઈજા (કનકશન) થઈ હતી. તેનો પ્રોટોકોલમાંથી પસાર થવું પડશે અને તે ઇંગ્લેન્ડ સામેની મેચમાં રમી શકશે નહીં. નોંધનીય છે કે મેક્સવેલેને મેલબોર્ન ખાતે ગયા વર્ષના નવેમ્બરમાં એક બર્થ-ડે પાર્ટી દરમિયાન થયેલી દુર્ઘટનામાં પગમાં ફ્રેક્ચર થયું હતું. બે મેચો વચ્ચેના બ્રેકમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ગોલ્ફનો આનંદ માણ્યો હતો. ગયા વર્ષે ઇંગ્લેન્ડના વિકેટકીપર જોની બેરિસ્ટો પણ ગોલ્ફ રમતી વખતે પડી ગયો હતો અને ઈજાના કારણે ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. કોચ ડોનાલ્ડે ઉમેર્યું હતું કે મેક્સવેલના વિકલ્પની જરૂર નથી. તે છથી આઠ દિવસ કનકશન પ્રોટોકોલમાંથી પસાર થશે જેના કારણે તે ઇંગ્લેન્ડ સામે રમી શકશે નહીં. અમારી પાસે બીજા ખેલાડીઓના વિકલ્પ છે.