ઉધ્ધ્વરેદાત્માનાત્માનં નાત્માનમવસાદયેત્ II
આત્મૈવહિ આત્મન: બન્ધુરાત્મૈવ રિપુ: આત્મન: II 6/5 II
અર્થ : આત્મા વડે આત્મા પોતાનો સંસાર સાગરનો ઉદ્ધાર કરે, તેની અધોગતિ ન કરે કેમ કે આત્મા પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.
વ્યક્તિ પોતે જ પોતાના જીવનનો ઘડવૈયો-સર્જક-વિનાશક પોતે જ છે તે વાત અહીંયા ભારપૂર્વક સ્પષ્ટ કરવામાં આવી છે. સંસારને સાગર સમાન ગણ્યો છે. સાગરમાં જેમ સતત મોજાં લહેરો આવતાં જ રહે છે તેમ જીવનમાં પણ મુશ્કેલીઓ આવતી જ રહે છે. જો તમે તેની સામે તાકીને જોઇ રહો અથવા તે શમી જવાની રાહ જુઓ તો તે નકામું છે, તમારો તેમાં સમય બગડે છે. જો તમે તેનાથી ડરવાને બદલે તેનો સામનો કરો ને થોડાક વધારે પ્રયત્નો કરો તો સફળતા અચૂક મળે જ છે. માણસને પોતાનો મિત્ર એટલા માટે કહ્યો છે કેમ કે જેમ આપણો મિત્ર સાચી અને સારી સલાહ આપે છે તેમ આપણે આપણી જાત માટે પણ સારા અને સાચા મિત્ર બનીને નિર્ણયો કરવાના છે. જો આપણે સારા અને સાચા નિર્ણય કરીશું તો ભવિષ્યમાં આપણને કે આપણા પદ-પ્રતિષ્ઠાને કોઈ આંચ આવતી નથી. આનાથી ઉલટું જો આપણે એક દુશ્મનની ખોટી સલાહની જેમ આપણી જાત માટે ખોટા નિર્ણયો કરીએ તો ઘર અને સમાજમાં બદનામી થાય છે. આમ આ શ્ર્લોકમાં અપાયેલ બોધ ધ્યાને લેતાં આપણે સૌ આપણા સ્વયંમના સાચા મિત્ર અને સલાહકાર બનીશું તો ક્યારેય જીવનમાં અધોગતિ આવશે નહીં.
બન્ધુ: આત્મા આત્મન: તસ્ય એન આત્મા એવાત્મનાજિત II
અનાત્મન: તુ શત્રુત્વે વર્તેત આત્મા એવ શત્રુવત: II 6/6 II
અર્થ : જેણે આત્માને જિતેન્દ્રિય બનાવ્યો છે, જીત્યો છે તેનો આત્મા તેનો બંધુ છે, પરંતુ જેના આત્માએ ઇંન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી તેનો આત્મા જ તેનો શત્રુ છે.
જેની સાથે આપણને દુશ્મનાવટ થઇ હોય, જે આપણો શત્રુ હોય તે તો સ્વાભાવિક રીતે આપણને નુકસાન-હાનિ પહોંચાડવા ઉત્સુક જ રહે છે. જે આપણો મિત્ર હોય છે તે હંમેશાં આપણને તેનાથી બની શકે તેવી મદદ કરવા તત્પર જ રહે છે. આ શ્ર્લોકમાં કહ્યું છે કે જે જીવ પોતાના મન અને ઇંન્દ્રિયો પરત્વે વિજયી બની જાય છે તે પોતે પોતાની જાત માટે એક પરમ મિત્ર બની શકે છે. એવો મિત્ર કે જે હંમેશાં તમારા સુખ-દુ:ખનો જ વિચાર કર્યા કરે છે. આનાથી વિરુદ્ધ જે આત્મા પોતાની ઇંન્દ્રિયો ઉપર વિજય નથી મેળવી શક્તો બલ્કે ઇંન્દ્રિયોને વશ થઇ જાય છે તે પોતે પોતાના માટે એક શત્રુ-દુશ્મન સાબિત થાય છે, કેમ કે ઇંદ્રિયો ઉપર કાબૂ રાખવાને બદલે જેને ઇંદ્રીયો જ કાબૂમાં લઇ લે છે તે વ્યક્તિ લાલચ, મોહ, કામના, વાસના સ્વાર્થ વગેરે ભાવોને કારણે જે કંઇ નિર્ણયો લે છે, કાર્યો કરે છે તે બધાં કદાચ શરૂઆતમાં તેને મનગમતાં કે સારાં લાગે, પણ અંતે તો તેના વિનાશ તરફ જ દોરી જાય છે. જીવનમાં સુખ-શાંતિ જોઇતી હોય તો તમે જ તમારા મિત્ર બનો. પોતાના મિત્ર બનવું હોય તો પોતાની ઇંન્દ્રિયોને કાબૂમાં રાખતાં શીખો. જો તમે આવું નહીં કરો તો તમારી ઇંન્દ્રિયો તમારા પર હાવિ થઇ જશે અને તમારા માટે નવા પ્રશ્નો, સમસ્યાઓ ઊભી કરી દેશે, માટે ચેતી જાઓ ને ઇંન્દ્રિયો પર વિજયી બનો.