- નિજ્જરની હત્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધ્યો તણાવ
- કેનેડાએ ભારત પર ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો લગાવ્યો આરોપ
- તમામ આરોપ પાયાવિહોણા ગણાવતું વિદેશ મંત્રાલય
છેલ્લા કેટલાય સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો થયો છે. કેનેડા સતત ભારતને બદનામ કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ કેનેડા માટે નામોશીની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે, હવે કેનેડાએ ભારત પર નવો આરોપ લગાવ્યો છે. કેનેડાએ પોતાના દેશની ચૂંટણીમાં ભારતીય દખલગીરીનો આરોપ લગાવીને નવો વિવાદ ઊભો કરી દીધો છે. વિદેશ મંત્રાલયે 8 ફેબ્રુઆરી ગુરુવારના રોજ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાને જડબાતોડ જવાબ આપતા કહ્યું, “ભારત સરકારની નીતિ અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલગીરી કરવાની નથી. જ્યારે કેનેડા પોતે ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે.”
FI પ્રવૃત્તિઓમાં ભારતની સંડોવણીનો આરોપ
કેનેડાએ મીડિયા અહેવાલોનો હવાલો આપતા તેમાં ભારતને એક ‘ચિંતાનો વિષે’ ગણાવ્યું હતું. આ રિપોર્ટ કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભારત પર ગંભીર આરોપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે, FI (વિદેશી હસ્તક્ષેપ) પ્રવૃત્તિઓમાં ભારતની સંડોવણી જણાવવામાં આવી હતી.
ભારતે તમામ આરોપોને ફગાવ્યાં
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે કહ્યું કે તેમણે મીડિયા રિપોર્ટ્સ જોયા છે. કેનેડિયન કમિશન વિદેશી હસ્તક્ષેપ કેસની તપાસ કરી રહ્યું છે. ભારતે કેનેડા દ્વારા કરવામાં આવેલા આવા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને એમ પણ કહ્યું છે કે તે તેને સખત રીતે ફગાવી દેશે.
કેનેડીયન અધિકારીઓ સાથે ઉઠાવ્યો મુદ્દો
પ્રવક્તાએ આ વાતનો પુનરોચ્ચાર કરતાં કહ્યું કે, “ભારત સરકારની નીતિ અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલગીરી કરવાની નથી. વાસ્તવિકતા એ છે કે તેનાથી વિપરિત, કેનેડા ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે.” તેમણે એમ પણ કહ્યું કે આ બધાને ધ્યાનમાં રાખીને ભારતે સતત કેનેડિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને અસરકારક રીતે તેમની સાથે ભારતની ચિંતા વ્યક્ત કરી છે. રજૂઆત કરવા પણ કહેવામાં આવ્યું છે.
નિજ્જરની હત્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધ્યો તણાવ
વાસ્તવમાં, કેનેડાની ધરતી પર ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં પણ નવી દિલ્હી પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા હતા. આ આરોપો બાદ બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત તંગ બની ગયા હતા. ત્યારબાદ, બંને દેશો દ્વારા ઘણા કડક પગલા પણ લેવામાં આવ્યા હતા. તો, બંને દેશો દ્વારા સંબંધો સુધારવા અને તેમને વધુ બગડવા ન દેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


