- વેપારીઓને કનડગત ન થાય તેની તકેદારી રાખવા ભાર મુકાયો
- અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરોને કલેક્ટરે જણાવ્યું
- માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે એક ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેવતિયાએ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શની જાણકારી બાબતે નિગરાની રાખી ચૂંટણી વિભાગને માહિતી આપવા અંગે જણાવ્યું હતું. કોઈ સામાન્ય નાગરિકો અને વેપારીઓને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મુકાયો હતો.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તેવતિયાએ છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં / મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર. ટી. જી. એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે.
નોમીનેશન ફઈલ દાખલ કરનાર ઉમેદવાર, તેમના વિવાહીત સાથી અથવા તેના આશ્રિાતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકિય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે. આ પ્રસંગે બેન્ક મેનેજરો, પ્રતિનિધિઓ કઈ રીતે આવા ટ્રાન્ઝેક્શનનું ધ્યાન દોરી શકે તે માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી તાલીમ અપાઇ હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલ અને લીડ બેન્ક મેનેજર સંજયકુમાર સિન્હા સહિત વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.NIC ના DIO ફેરમ ઝવેરી દ્વારા સી-વીજીલ એપ્લીકેશન અંગે પ્રેઝન્ટેશન મારફ્ત વિગતવાર જાણકારી અપાઈ હતી.


