- ગુજરાતમાં ગત સપ્તાહથી મેઘરાજા મહેરબાન
- સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ
- 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ગત સપ્તાહથી ચોમાસું બેસી ગયું છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ હવે વરસાદી માહોલ જામવા લાગ્યો છે. આજે પણ રાજ્યના 182 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.
6થી રાતના 8 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ
આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ જામનગરના ધ્રોલમાં નોંધાયો છે. આ સિવાય સુરતના કામરેજમાં પોણા 2 ઈંચ, મોરબીના ટંકારામાં દોઢ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ, રાજકોટમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.
આજે રાજ્યના 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કુતિયાણા, કપરાડા, ઉમરાળા, પેટલાદ, વાંકાનેર, ગોંડલ, બોટાદ, નડિયાદ, કોટડા સાંગણી અને ચોટીલા સહિતના તાલુકાનો સમાવેશ થાય છે.
છેલ્લા બે કલાકની વાત કરવામાં આવે તો, સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં હળવા ઝાપટાથી માંડીને સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરતના કામરેજમાં સવા ઈંચ અને વડોદરામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં જોઈએ તો, પાદરામાં 17 મિમી, જલાલપોરમાં 16 મિમી, દીયોદરમાં 16 મિમી અને થરાદમાં 12 મિમી વરસાદ વરસ્યો છે.
ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે.
જ્યારે મહીસાગર, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
ગુજરાતમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. તો આજે નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.


