- દિવાળીના દિવસોમાં વરસાદની સંભાવના
- ઉત્સવ-ઉજાણીની મજા બગાડશે મેઘરાજા
- આજે પણ ગુજરાતને વરસાદે ભીંજવ્યું
દિવાળીના તહેવારનો સમય છે અને આ વખતે દિવાળીમાં મેઘરાજા તહેવારની મજા બગાડી શકે તેવા એંધાણ છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે.
મહત્વનું છે કે હાલ હવે દિવાળીના તહેવારના દિવસો શરૂ થઈ ગયા છે. ખાસ કરીને માર્કેટમાં દિવાળીને લઈને ખરીદીની ધૂમ મચી ગઈ છે. લોકોથી માર્કેટ છલોછલ છે. દિવાળી અને નવા વરસને લઈને રાજ્યની આમ જનતામાં બેહદ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. પરંતુ આ દિવાળીએ કંઈક એવું પણ છે જે લોકોને હેરાન પરેશાન કરી શકે છે અને આ મુસીબત આપણી આસપાસમાંથી ક્યાંયથી નહીં પરંતુ આસમાનમાંથી વરસી શકે છે. જી હા ગુજરાતમાં દિવાળીના તહેવારની વચ્ચે વરસાદી ઝાપટાં પડે અને કમોસમી વરસાદ સર્જાય તેવી શક્યતા છે. આ મામલે આગાહી ખુદ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગામી 24 કલાકમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદની પૂરી શક્યતા છે. ખાસ કરીને આવા ભાગોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને વલસાડ તેમજ ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ દિવાળીનો તહેવાર હોવાથી માર્કેટમાં વિવિધ ચીજોની ખરીદી નીકળી છે જેને લઈને વેપારીઓને સારી આવકની આશા છે. પરંતુ વરસાદ આ વેપારીઓ અને ખેડૂતોની ચિંતા વધારી શકે છે તેમજ સામાન્ય માણસની દિવાળીની મજા બગાડી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ખાસ તો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પણ વરસાદે ગુજરાતને ભીંજવ્યું હતું. આજે દ્વારકા, ગીર ગઢડા અને ધારીના વિવિધ વિસ્તારો અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો હતો. જેના લીધે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.


