- આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમમાં સુનાવણી
- પાર્ટી અધ્યક્ષ મહેબૂબા મુફતીને તેમના જ ઘરે કરાયા નજરકેદ: PDPનો દાવો
- કોઈને રાજકીય કારણોસર નજરકેદ નથી કરાયા: રાજ્યપાલ મનોજ સિન્હા
જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજી પર આજે સોમવારે 11 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે આ મામલે ચુકાદો આવી જશે, ત્યારે, ચુકાદો આવે તે પહેલા જ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. મહેબૂબા મુફતીની પાર્ટી PDPનો દાવો છે કે રાજ્યમાં આર્ટીકલ 370 ફરી લાગુ કરવાની ઉગ્ર માંગ કરતાં મુફ્તીને કથિત રીતે નજરકેદ કરવામાં આવ્યા છે. જોકે, રાજ્ય પોલીસ PDPનો દાવો ફગાવી દીધો છે.
PDPએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરતાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પહેલા જ પોલીસ PDPના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીનું ઘર સીલ કરી દીધું છે અને તેમને ગેરકાયદેસર રીતે નજરકેદ કર્યા છે.
ઉપરાજ્યપાલે ફગાવ્યો PDPનો દાવો
જોકે, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા બંનેએ મહેબૂબા મુફ્તીને નજરકેદમાં રાખવાના દાવાને નકારી કાઢ્યો છે. પોતાના સત્તાવાર નિવેદનમાં, જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું છે કે કોઈને નજરકેદ કરવામાં આવ્યા નથી. આ સિવાય જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ આ દાવાને ફગાવી દીધો છે. તેમણે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં કોઈને પણ નજરકેદ રાખવાનો દાવો પાયાવિહોણો છે. રાજકીય કારણોસર કોઈને નજરકેદ કરવામાં આવ્યા નથી. આ અફવાઓ ફેલાવવાનો પ્રયાસ છે.
શ્રીનગરમાં વધારવામાં આવી સુરક્ષા વ્યવસ્થા
આર્ટીકલ 370ને નિરસ્ત કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જેને લઈને શ્રીનગરમાં સુરક્ષા વધારી દેવામાં આવી. આ ઉપરાંત કાશ્મીરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. અર્ધસૈનિક દળો સાથે મળીને જમ્મુ કાશ્મીર પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે.


