ખેરાલુ તાલુકાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી વિવાદિત બની છે. ચૂંટણી અધિકારીએ ઉમેદવારી કરવા માટે સમય ઓછો ફાળવ્યો હોવાના આક્ષેપ સાથે બોર્ડ ઓફ નોમીનીઝની કોર્ટમાં દાવો દાખલ થતાં કોર્ટે મનાઈ હુકમ આપતાં ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. હવે, આગામી 12-12-2025 ના રોજ મુદતમાં લેવાનાર નિર્ણય ઉપર આગળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ખેરાલુ, વિસનગર અને સતલાસણા વિસ્તારમાં શાખાઓનું કાર્યક્ષેત્ર ધરાવતી ખેરાલુ નાગરિક સહકારી બેંકની આગામી પાંચ વર્ષ માટેના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા તા.25-11-2025 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં સામાન્ય કેટેગરીમાં 23, મહિલા અનામતમાં 4, શાખા બેઠકમાં 3, અને એસ.સી. એસ.ટી. બેઠક ઉપર 4 મળી કુલ 34 ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી પત્ર ભરવા માટે માત્ર એક જ દિવસનો સમય ફાળવ્યો હોવાથી નારાજ થયેલા સભાસદે બોર્ડ ઓફ નોમીનીઝમાં દાવો દાખલ કરી મનાઈ હુકમ મેળવ્યો છે. જેની મુદત બુધવારે હતી. પરંતુ, બોર્ડ ઓફ નોમીનીઝે આ મેટર ચલાવવાના બદલે વધુ 10 દિવસ મનાઈ હુકમ લંબાવી આગામી 12, ડિસેમ્બરની મુદત આપતાં ચૂંટણી પ્રક્રિયા ખોરંભે પડી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


