ગઠિયાઓએ તેમને વિદેશી ફંડિંગ અને ટેરર લિંકના નામે ડરાવી દીધા હતા. પરંતુ ભોગ બનનારની એક સમજદારી અને મહેસાણા સાયબર પોલીસની વિજળીવેગી કામગીરીએ ૭૬ લાખ રૂપિયા લૂંટાતા બચાવી લીધા.
સાયબર ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી
“ઘટનાની શરૂઆત થાય છે ૧૨ ડિસેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ વાગે. મહેસાણાના નિવૃત્ત અધિકારી રમેશચંદ્ર માધવલાલ પટેલના મોબાઈલ પર એક કોલ આવે છે. ફોન કરનાર VI કંપનીમાંથી હોવાનું કહી ધમકાવે છે કે તમારો નંબર ૨ કલાકમાં બંધ થઈ જશે. વાત અહીંથી અટકતી નથી. કોલ ટ્રાન્સફર થાય છે કથિત ‘મુંબઈ પોલીસ’ પાસે. સામે છેડેથી નકલી પોલીસ યુનિફોર્મ પહેરેલી એક મહિલા અને અધિકારી રમેશભાઈને વીડિયો કોલ પર ‘ડિજિટલ એરેસ્ટ’ કરે છે. આક્ષેપ એવો મૂકવામાં આવ્યો કે તેમના નામે મુંબઈમાં એક સીમકાર્ડ એક્ટિવ છે, જેના દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુકે અને યુએસએમાં કરોડોનું ગેરકાયદેસર ફંડિંગ થયું છે.
ગઠિયાઓ હજુ પણ લાઈવ છે અને પૈસા ટ્રાન્સફર કરાવવાની ફિરાકમાં છે
ગઠિયાઓએ બનાવટી એરેસ્ટ વોરંટ બતાવી રમેશભાઈને કહ્યું કે જો તમારે બચવું હોય તો તમારી તમામ એફડી (FD) અને બચત તોડાવી પૈસા અમારા ‘વેરિફિકેશન એકાઉન્ટ’માં RTGS કરવા પડશે. વૃદ્ધને એટલી હદે ડરાવી દીધા હતા કે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.””રમેશભાઈ ગભરાયેલા હતા, પણ તેમના પરિવારે સમાચારમાં આવા ફ્રોડ વિશે વાંચ્યું હતું એટલે હિંમત કરીને પૈસા ટ્રાન્સફર કરવાને બદલે સીધા મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નો સંપર્ક કર્યો હતો. અહીં હાજર પોલીસ અધિકારીઓએ એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર પરિસ્થિતિ પારખી લીધી. પોલીસને સમજાયું કે સામે છેડે ગઠિયાઓ હજુ પણ લાઈવ છે અને પૈસા ટ્રાન્સફર કરાવવાની ફિરાકમાં છે.
પોલીસની ટીમ રમેશભાઈને લઈને તાત્કાલિક બેંકમાં પહોંચી
સૌથી પહેલા રમેશભાઈના એકાઉન્ટના આઉટગોઈંગ વ્યવહારો અને નેટ બેંકિંગને ફ્રીઝ કરાવી દીધું. ગઠિયાઓ લગભગ ૬૫ થી ૭૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાની તૈયારીમાં જ હતા, ત્યાં જ પોલીસે ‘ડિજિટલ બ્રેક’ મારી દીધી. રમેશભાઈની આજીવન મૂડી જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નામે લૂંટાઈ જાત, તે સુરક્ષિત બચાવી લેવામાં આવી.””આ કિસ્સો દરેક નાગરિક માટે લાલબત્તી સમાન છે. રમેશચંદ્ર પટેલે સાવચેતી દાખવી એટલે તેમની ૭૬ લાખ જેટલી માતબર રકમ બચી ગઈ. મહેસાણા પોલીસે પણ વૃદ્ધને સાંત્વના આપી સમજાવ્યું કે કાયદામાં ‘ડિજિટલ એરેસ્ટ’ જેવી કોઈ જોગવાઈ નથી અને કોઈ પોલીસ ક્યારેય વીડિયો કોલ પર પૈસા માગતી નથી. જો રમેશભાઈએ ડરના માર્યે પૈસા ટ્રાન્સફર કરી દીધા હોત, તો આજે પસ્તાવાનો વારો આવ્યો હોત. સાયબર ક્રાઈમ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવા કોઈ પણ કોલ આવે તો ગભરાયા વગર તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૯૩૦ પર સંપર્ક કરવો.”


