- તમામ કામગીરી કચેરીમાં થતી હોવા છતાં સિવિક સેન્ટરની તૈયારીઓને લઈ લોકોમાં ગણગણાટ
- 12 કોમ્પ્યૂટર ટેબલ સેટ સાથે કામગીરી કરવા એજન્સી સરકારી કચેરીમાં જ અડ્ડો જમાવશે
- સિવિક સેન્ટર માટે 12 ટેબલ કોમ્પ્યુટરની વ્યવસ્થા ઉભી કરવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે
મહેસાણા નગરપાલિકા કચેરીમાં આવેલ વિવિધ શાખાઓ દ્વારા શહેરી વિસ્તારમાં પોતાની સેવાઓ આપવામાં આવી રહી છે. જૉકે વધતા જતા શહેરી વિસ્તારને ધ્યાને રાખી સરકાર દ્વારા પાલિકા કચેરીમાં થતી દસ્તાવેજી કામગીરી અને ફરિયાદો માટે કચેરી ઉપરાંત એજન્સી રાહે સિવિક સેન્ટરની સેવાઓ ઉભી કરી રહી છે. જૉકે તાજેતરમાં મહેસાણા નગરપાલિકા કચેરી ખાતે વધુ એક સિવિક સેન્ટર શરૂ થવાની હિલચાલને લઈ લોકોમાં ભારે ગણગણાટ સર્જયો છે. મહેસાણા નગરપાલિકા કચેરીમાં અરજદારોને સેવાઓ અને પ્રમાણપત્રો આપવાની તમામ કામગીરીઓ કરવામાં આવતી હોવા છતાં ત્યાં એક એક સિવિક સેન્ટર ઉભું કરવાનો તખ્તો ઘડવામાં આવ્યો હતો. જેને લઈને પાલિકાના જનસુવિધા કેન્દ્રની જગ્યા પર હાલની કામગીરી બંધ કરી ત્યાં સિવિક સેન્ટર માટે 12 ટેબલ કોમ્પ્યુટરની વ્યવસ્થા ઉભી કરવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ટીબી રોડ પર આવેલ સિવિક સેન્ટરની જેમ પાલિકાની સરકારી કચેરીમાં થતી વિવિધ શાખાઓની કામગીરી આગામી દિવસમાં એજન્સી દ્વારા શરૂ થનાર સિવિક સેન્ટરમાં કરવામાં આવનાર છે. સિવિક સેન્ટરની હિલચાલને પગલે પાલિકાના કેટલાક કોર્પોરેટરો સહિતના લોકોમાં ગણગણાટ સર્જાયો હતો. સરકારી કચેરી કાર્યરત હોવા છતાં ત્યાં જનસુવિધા કેન્દ્રની જગ્યાને ખાનગી એજન્સી રાહે સિવિક સેન્ટર ઉભું કરવાના આયોજનને લઈ તંત્રમાં પણ ભારે ઉથલપાથલ સર્જાઈ હતી.


