ભારત સરકારે ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની માગ કરી છે. મેહુલ ચોક્સીની 12 એપ્રિલના રોજ બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમ ફેડરલ પબ્લિક સર્વિસે સોમવારે આ જાણકારી આપી છે. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી ભારતમાં હજારો કરોડ રૂપિયાના પીએનબી બેન્ક કૌભાંડનો મુખ્ય આરોપી છે અને લાંબા સમયથી ફરાર હતો.
ત્યારે તેની ધરપકડને ભારતના પ્રત્યાર્પણ પ્રયાસો માટે એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. વિભાગે જણાવ્યું હતું કે બેલ્જિયમના અધિકારીઓ ચોક્સી સામે વધુ કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત, તેમને કાયદાકીય સલાહ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી
મળતી માહિતી મુજબ ‘મેહુલ ચોક્સીની શનિવાર, 12 એપ્રિલ 2025ના રોજ ધરપકડ કરવામાં આવી છે. તેમને આગળની ન્યાયિક પ્રક્રિયા સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. તેમને તેમના વકીલો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. બેલ્જિયમની ફેડરલ પબ્લિક સર્વિસ ઓફ જસ્ટિસ પુષ્ટિ કરે છે કે ભારત સરકારે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ઔપચારિક વિનંતી મોકલી છે.
ચોક્સી સ્વિટ્ઝર્લેન્ડ ભાગી જવાની ફિરાકમાં હતો
સોમવારે અગાઉ, મેહુલ ચોક્સીના વકીલે પુષ્ટિ કરી હતી કે પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડ સાથે જોડાયેલા ભાગેડુ હીરા વેપારીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડમાં સારવારના બહાને ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો, તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ચોક્સી કેસની આગામી સુનાવણી માટે ભારતીય અધિકારીઓ હવે બેલ્જિયમ જવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ચોક્સી કસ્ટડીમાં રહે અને તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થાય તે માટે કાનૂની વ્યૂહરચના બનાવી રહ્યા છે.


