રાજકોટ સિવિલ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, સદ્દભાવના વૃદ્ધાશ્રમ, અંધઅપંગ વૃદ્ધાશ્રમ, ઝુંપડપટ્ટીઓ, બાંધકામ સાઇટ સહિતના શ્રમિકોને ગરમ કપડાનું કર્યું વિતરણ
રાજકોટ ક્રેડાઈ RBA વુમન્સ વિંગ સાથે બિલ્ડરોના બાળકો પણ સદ્દકાર્યમાં જોડાયા
રાજકોટ ક્રેડાઇ વુમન્સ વીંગ વર્ષ દરમ્યાન વિવિધ સેવાકીય પ્રકલ્પો પ્રયોજતી રહે છે ત્યારે ક્રેડાઇ રાજકોટ બિલ્ડર એસોસિએશનની વુમન્સ વીંગ દ્વારા ક્રિસમસ નિમિત્તે બહુવ્યાપી સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું. ક્રિસમસ નિમિત્તે રાજકોટની વિવિધ હોસ્પિટલ, વૃદ્ધાશ્રમો, બાલાશ્રમો, ઝૂંપડપટ્ટી અને બાંધકામ સાઇટ સહિતના સ્થળો પર ધાબળા અને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, આ સેવાકાર્યની ખાસ વાત એ હતી કે તમામ મહિલા સભ્યોએ પોતાના બાળકો સાથે સાંતાકલોઝ બનીને ગરમ કપડાની હુંફ જરૂરિયાતમંદ લોકોને આપી હતી.
ક્રેડાઇ આરબીએની વુમન્સ વીંગની મહિલા સભ્યોએ તા.24 ડિસેમ્બરની રાત્રે અને 25 ડિસેમ્બરે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના મેટરનિટી વિભાગ, બાળકોની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, જનરલ ઇન્ડોર વિભાગ તેમજ પદ્મકુવરબા હોસ્પિટલમાં ધાબળા, પ્રસુતાઓ માટે ગરમ કપડા, નવજાત શિશુ માટે ટોપી, સ્વેટર, હાથ-પગના ગરમ મોજા, જેકેટ સહિતની ગીફટ સાંતાકલોઝ બનીને આપી હતી. હોસ્પિટલમાં અસંખ્ય સાંતાકલોઝને નિહાળી લોકો ભારે અચંબિત બન્યા હતા અને સાંતા તરફથી મળતી ગીફટ સ્વીકારીને જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર રેલાયેલા સ્મિતને જોઇને બાળ સાંતાઓએ પણ ખુશીની લાગણી અનુભવી હતી.
રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાના માર્ગદર્શન અને આગેવાની હેઠળ આયોજિત આ સમગ્ર સેવાકાર્યમાં આરબીએ ક્રેડાઇ વુમન વિંગનાં પ્રમુખ દર્શનાબેન નીખીલભાઈ પટેલ, સેક્રેટરી મોનાબેન ચેતનભાઈ રોકડ અને જોઇન્ટ સેક્રેટરી પ્રિતિકાબેન વિશાલભાઈ સોનવાણી તેમજ રાજકોટ ક્રેડાઇ આરબીએ વુમન્સ વીંગની મહિલા સભ્યો, બિલ્ડરો અને બાળકો આ કાર્યમાં જોડાયા હતા. ખાસ વાત એ છે કે રાત્રે 9 વાગ્યાથી વહેલી સવારે 3 વાગ્યા સુધી ચાલેલી આ સેવાપ્રવૃતિમાં બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. જ્યારે ક્રિસમસના દિવસે સવારે 10 થી 1 અને બપોરે 3 થી 8 વાગ્યા સુધી સદ્દભાવના વૃદ્ધાશ્રમ, અંધ-અપંગ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, શહેરની વિવિધ ઝુંપડપટ્ટી, બાંધકામ સાઇટના શ્રમિકો તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રોની હૂંફ આપી રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન તેમજ ક્રેડાઇ વુમન્સ વીંગએ પોતાની સામાજીક જવાબદારી બખૂબી અદા કરી હોવાનો આત્મસંતોષ મેળવ્યો હતો.ઉલ્લેખનીય એ પણ છે કે તાજેતરમાં જ દર્શનાબેન નીખીલભાઈ પટેલની વરણી ગુજરાત ક્રેડાઈ વુમન્સ વિંગના પ્રમુખ તરીકે કરવામાં આવી છે.