શું વિચારવાની ક્રિયા વગર પ્રેમ કરવો શક્ય છે? વિચારવાનો તમે શો અર્થ કરો છો? વિચારણા સુખ-દુ:ખની સ્મૃતિનો પ્રતિભાવ છે. અધૂરા અનુભવના અવશેષ વગરની કોઈ વિચારણા હોય જ નહીં. પ્રેમ લાગણી અને મનની ભાવના કરતાં અલગ છે. પ્રેમને વિચારના ક્ષેત્રમાં લાવી શકાય છે. પ્રેમ ધુમાડા વગરની એવી જ્યોત છે કે જે હંમેશાં તાજગીસભર, સર્જનાત્મક અને આનંદદાયક હોય છે. આવો પ્રેમજ્યોતિ સમાજ અને સંબંધ માટે જોખમી છે. જ્યારે પ્રેમમાં વિચાર પ્રવેશે છે, તે પ્રેમમાં ફેરફાર કરે અને તેને દોરે છે, તેને કાયદેસરતા આપે છે તેમજ તેને જોખમમાંથી બહાર લાવે છે; ત્યારે આપણે તેની સાથે રહી શકીએ છીએ. શું તમે એ જાણો છો કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે સમગ્ર માનવજાતને પ્રેમ કરો છો? શું તમને એ ખબર નથી કે માણસને પ્રેમ કરવો કેટલું જોખમી છે? તો પછી ત્યાં કોઈ અવરોધ નથી, કોઈ રાષ્ટ્રીયતા નથી; ત્યાં સત્તા અને પદ માટેની ઘેલછા નથી અને ત્યારે વસ્તુઓ તેનું મૂલ્ય ધારણ કરે છે. આવો માણસ સમાજ માટે જોખમી છે. પ્રેમના અસ્તિત્વ માટે સ્મૃતિની પ્રક્રિયાનો અંત આવી જ જવો જોઈએ. સ્મૃતિ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે અનુભવને પૂર્ણપણે, સંપૂર્ણપણે સમજવામાં આવ્યો ન હોય. સ્મૃતિ અનુભવનો અવશેષમાત્ર છે; તે સંપૂર્ણપણે સમજવામાં ન આવેલા પડકારનું પરિણામ છે. જીવન પડકાર અને પ્રતિભાવની પ્રક્રિયા છે. પડકાર હંમેશાં નવો હોય છે, પરંતુ પ્રતિભાવ કાયમ જૂનો હોય છે. આ ભૂતકાળના જૂના સંસ્કારોના બંધનના પ્રતિભાવને ચોક્કસ સમજવો જ જોઈએ. તેને શિસ્તબદ્ધ કરો કે તેનો તિરસ્કાર કરીને તેને હાંકી કાઢો તેમ ન ચાલે. તેનો અર્થ એ છે કે રોજ નવેસરથી સંપૂર્ણપણે જીવવું. આવું પૂર્ણપણે જીવવાનું ત્યારે જ સંભવ બને કે જ્યારે તમારામાં પ્રેમ હોય, જ્યારે તમારું હૃદય પ્રેમથી ભર્યું ભર્યું હોય, શબ્દોથી નહીં કે મનમાં સર્જેલી વસ્તુઓ કે વિચારોથી ભરેલું હોય તેમ નહીં. જ્યારે પ્રેમ હોય ત્યારે જ સ્મૃતિનો અંત આવે છે; ત્યારે પ્રત્યેક ક્ષણે પુનર્જન્મ થાય છે.
લાગણીને નામ ન આપો
લાગણીને નામ ન આપો તો શું થાય છે? તમે તે ભાવનાને જુઓ છો, તમે લાગણીને, તે સંવેદનાને આધારે-સીધેસીધી જુઓ છો અને તેથી તેની સાથે તદ્દન જુદો જ સંબંધ સ્થપાય છે. જે રીતે તમે ફૂલને નામ આપ્યા વગર જુઓ છો ત્યારે તમારો તેની સાથે જેવો સંબંધ સ્થપાય છે તેવો જ સંબંધ લાગણીને નામ આપ્યા વગર જુઓ ત્યારે સ્થપાય છે. ત્યારે તમે તેને એક નવી જ દૃષ્ટિએ જોવા માટે બાધ્ય બનો છો. જ્યારે તમે લોકોના કોઈ સમૂહને નામ નથી આપતા ત્યારે તમારે દરેક વ્યક્તિના ચહેરાને સમૂહના એક ભાગ તરીકે વ્યક્તિગતપણે જોવો જ પડે છે. તેથી તમે ઘણા વધારે સાવધ બનો છો, ઘણું વધારે નિરીક્ષણ કરતા થાઓ છો, વધારે સમજતા રહો છો, તમારા મનમાં દયાની અને પ્રેમની ભાવના વધારે ગહન હોય છે; પરંતુ જો તમે તે બધાને એક સમૂહ તરીકે જ જુઓ તો આ બધી વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. જો તમે લાગણીને કોઈ લેબલ ન લગાવો તો તમારે લાગણી જેવી ઉદ્ભવે કે તરત જ તેના ઉપર ધ્યાન આપવું પડે છે.