- 23 ડિસેમ્બરે મર્ચન્ટશિપ પર થયો હતો દ્રોણ હુમલો
- સાઉદી અરેબિયાથી મેંગલોર આવી રહ્યું હતું જહાજ
- નેવીના CGS Vikram એ જહાજને કર્યું હતું એસ્કોર્ટ
ભારત આવતી વખતે અરબી સમુદ્રમાં જે મર્ચન્ટશિપ પર હુમલો થયો હતો તે આજે મુંબઈ પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજ પર બે દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, આ જહાજને ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું.
વાસ્તવમાં, 23 ડિસેમ્બરે સાઉદી અરેબિયાથી મેંગલોર આવી રહેલા વેપારી જહાજ એમવી કેમ પ્લુટો પર હુમલો થયો હતો. આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ હતો. આ જહાજમાં 21 ભારતીયો હતા. હવે આ જહાજ સોમવારે મુંબઈ બંદરે પહોંચ્યું છે. નેવી આ હુમલાની તપાસ કરશે.
સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એમવી કેમ પ્લુટો જહાજ પર શંકાસ્પદ ડ્રોન હુમલામાં વ્યાપક નુકસાન થયું છે. નેવીની ટીમ આ હુમલાને કારણે જહાજને થયેલા નુકસાનની તપાસ કરી રહી છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં આ હુમલો કેવી રીતે થયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ, ભારતીય અને અન્ય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે.
CGS Vikram એ કર્યું એસ્કોર્ટ
ભારતીય નૌસેનાએ જણાવ્યું હતું કે આ જહાજમાં 21 ભારતીયો અને એક વિયેતનામી નાગરિક સવાર હતા. 23 ડિસેમ્બરે તેના પર શંકાસ્પદ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે મુંબઈ બંદરે પહોંચ્યા બાદ ભારતીય નેવી એક્સપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝલ ટીમે જહાજનું પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું.
ICGS વિક્રમને ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. માલવાહક જહાજ પર હુમલાના સમાચાર મળતાની સાથે જ ICGS વિક્રમને એસ્કોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી.
ઈરાન દ્વારા હુમલો થયો હોવાનો અમેરિકાનો દાવો
અમેરિકાએ આ જહાજ પર હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને દાવો કર્યો હતો કે જહાજ પર ઈરાનથી છોડવામાં આવેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, ઈરાને આ દાવાઓને ફગાવી દીધા હતા.


