ભાવનગરમાં યુવતિને મેસેજ કરવા બાબતે યુવાનને ઠપકો આપતા સંબંધીની છરીના ઘા મારી હત્યા
કોલ અને ચેટીંગ બાબતે ઝઘડો, સગીર સહિત ત્રણની ધરપકડ કરતી પોલીસ
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગર અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતાં યુવકની યુવતી સાથે ફોન પર વાતચીત અને વોટ્સએપ ચેટિંગના મુદ્દે વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ગત મોડી રાતે યુવતીના પરિવારના 3 શખ્સો યુવકને ઠપકો આપવા તેના ઘરે ગયા હતાં. જ્યાં યુવક અને તેના પરિવારે 3 શખ્સો પર જીવલેણ હુમલો કર્યો હતો.
જેમાં યુવતીના સંબંધી દિનેશ નામના યુવકને પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજા થઈ હતી. તેથી તેને સારવારમાં ખસેડાયો હતો. જેમાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ઘટનાને પગલે પોલીસે બનાવ સ્થળે પહોંચીને તપાસ કરી હતી. જેમાં સગીર સહિત પોલીસે રાહુલ ધીરુભાઈ સોલંકી (ઉં.વ. 26), અલ્પેશ ભીમભાઈ સોલંકી (ઉં.વ. 19), સુરેશ ભીમાભાઈ સોલંકી (ઉં.વ. 24)ની અટકાયત કરી છે.
આ બનાવ અંગે ઘોઘારોડ પોલિસ સ્ટેશનથી મળતી વિગત મુજબ, 10 જાન્યુઆરીના મોડી રાત્રીના ફરીયાદી દિલીપ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદારના સંબંધીની દીકરી સાથે શહેરના અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતો અલ્પેશ ધીરાભાઈ સોલંકી ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોય, જે બાબતે ફરીયાદી તથા તેના મામા અને અન્ય લોકો અલ્પેશ સોલંકીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતાં.
સમયે અલ્પેશ તથા તેનો ભાઈ રાહુલ, તેની સાથે પાછળથી આવેલા સુરેશ ઉર્ફે ઘુધી અને એક સગીર, તેઓએ દિલીપ ડાભી સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. જે દરમ્યાન અલ્પેશ સોલંકીએ દિલીપના મામા દિનેશને પકડી રાખેલ અને રાહુલે દિલીપના દિનેશ હરભીમભાઈ ચૌહાણ (મામાને) પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી.
જ્યારે આ બનાવ અંગે મૃતકના ભણીયાએ ઘોઘારોડ પોલિસ મથકમાં રાહુલ ધીરાભાઈ સોલંકી, અલ્પેશ ધીરાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે ઘુઘી સોલંકી અને એક સગીર વિરુદ્ધ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જ્યાં આજરોજ વહેલી સવારે દિનેશ હરભીમભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


