- અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનું કામ આખરી તબક્કામાં
- લોકસભાની ચૂંટણીની જાહેરાત પુર્વે મેટ્રો ટ્રેનને દોડતી કરવાનો ઈરાદો
- નરેન્દ્ર મોદીના આગામી 25મી સુધી ગુજરાતમાં લોકાર્પણ સહિતના કાર્યક્રમો
છેલ્લા ચારેક દિવસથી મેટ્રો ટ્રેકનું ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાયસણ પાસે આજે ફરી મેટ્રો ટ્રેકનું ટેસ્ટીંગ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રેક પર મેટ્રો ટ્રેનને પણ ચડાવવામાં આવી હતી. આગામી માર્ચ મહિનામાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરવાની જાહેરાત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થોડાક દિવસો પુર્વે કરવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણીની જાહેરાત માર્ચ મહિનાના મધ્યે કરવામાં આવશે તેવું સંભળાય રહ્યું છે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 25મી સુધી ગુજરાતમાં લોકાર્પણ સહિતના કાર્યક્રમો છે. ત્યારબાદ 27મી ફેબ્રુઆરી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. ગાંધીનગર સંસદીય મત ક્ષેત્રવિસ્તારમાં ગાંધીનગરમાં જ 200 કરોડ ઉપરાંતના લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમનું આયોજન છે. આ જોતાં જણાય આવે છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત ખૂબ નજીકના સમયમાં છે. આ બધી અટકળો વચ્ચે છેલ્લા ચારેક દિવસથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેકનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું છે. હજુ ગત 13મી ફેબ્રુઆરીએ જ જીએમઆરસી દ્વારા મોઢેરા થી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ શરૂ કરવામાં આવશે તેવું યાદીમાં જણાવ્યું હતું.જેને લઈ અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટનું પુરઝડપથી ચાલી રહ્યું છે.હવે લગભગ આખરી તબક્કામાં છે.અમદાવાદ – ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પહેલા ટ્રેકનું ટેસ્ટીંગ શરૂ કરાતા લોકોમાં ઉત્તેજના ફેલાઈ છે.
મોઢેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરવામાં આવનાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સાંસદનો જે લોકાર્પણ-ખાતમુહુર્તનો કાર્યક્રમ છે તેમાં ચ-2 જંક્શન ખાતે ટ્રાફિક સર્કલ ડેવલોપ કરવામાં આવ્યું છે તેના લોકાર્પણની યાદીમાં સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે, ચ-2 ખાતે મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી આખરી કામગીરીના ભાગરૂપે ચ-2થી રોડને બંધ કરવામાં આવ્યો હતો.
નર્મદા મુખ્ય કેનાલ પર કેબલ સ્ટેડ બ્રીજનું કામ હવે પુરું થયું છે. તેના ઉપર ટ્રેક તથા થર્ડ રેલ નાંખવા સહિતની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તેને લઈને હાલમાં ટ્રેક ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. એમ કહેવાય છે કે, માર્ચ મહિનામાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ માટે ટ્રાયલ રન હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતમાં ટ્રેક ટેસ્ટીંગ કર્યા બાદ ટ્રાયલ માટે મેટ્રો ટ્રેનને પણ ટ્રેક પર ચડાવવામાં આવી હતી. આ તમામ દ્રશ્યો બતાવે છે કે હવે ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન શરૂ થાય એ દિવસો બહુ દૂર નથી. મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન પણ જોરશોરથી કરાશે. એ સમયે અમદાવાદથી ગાંધીનગર સુધીનો આ ટ્રાયલ રનની શરૂઆત ધમાકેદાર રહેશે. લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનસેવા શરૂ થઈ જશે તેવી એક ખાતરી નાગરિકોમાં બેસાડી દેવામાં આવશે. લોકસભાની ચૂંટણી દરમિયાન જો મેટ્રો ટ્રેનની કનેક્ટીવિટી ગાંધીનગરને મળી જશે તેવા સંકેતો હાલમાં દેખાય રહ્યા છે. ટ્રાયલ રનની શરૂઆત પણ લોકોમાં એક નક્કર સંદેશો પહોંચાડી દેવા માટે પર્યાપ્ત છે.


