મોડી રાતે ડિસમિસ અને લોખંડના સળીયા સાથે ઘુસેલો તસ્કર સીસીટીવીમાં કેદ; સાયરન વાગતાં લોકોની મરણમૂડી બચી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના વિરપુર નજીક આવેલા મેવાસા ગામે આવેલી RDC બેંકની શાખામાં મોડી રાતે ચોરીનો પ્રયાસ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ. તસ્કર ડિસમિસ, લોખંડના સળીયા સહિતના સાધનો સાથે બેંકમાં ઘુસ્યો હોવાનો ખુલાસો થયો છે. જોકે સદનસીબે સિક્યુરીટી સાયરન વાગી જતા મોટી ચોરી ટળી ગઈ અને લોકોની મરણમૂડી બચી ગઈ.
આ મામલે જેતપુરના શિવમ પાર્ક વિસ્તારમાં રહેતા પરીનભાઈ છગનભાઈ ઠુંમર (ઉ.વ.50) દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ મેવાસા શાખામાં છેલ્લા ચાર વર્ષથી બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગત તા.19ના રોજ સાંજના સમયે બેંકનું કામકાજ પૂર્ણ કરી શાખા બંધ કર્યા બાદ તમામ સ્ટાફ પોતાના ઘરે ગયો હતો.
બીજા દિવસે વહેલી સવારે રાજકોટ સ્થિત સિક્યુરીટી ઓફિસેથી ફોન આવી બેંકનું સાયરન વાગ્યાની જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક નજીક રહેતા વ્યક્તિને તપાસ માટે મોકલતા બહારથી દરવાજા અને શટર યથાવત બંધ હોવાનું જણાયું હતું. સવારના સમયે સ્ટાફ બેંક પહોંચતા અંદર એક ટેબલ ઉલટું પડેલું અને બારીની લોખંડની ગ્રીલ વળેલી હાલતમાં મળી આવી હતી.
તપાસ દરમિયાન ગ્રીલના સ્ક્રુ બહાર નીકળી ગયેલા હોવાનું અને બહાર નવેરામાં લોખંડના સળીયા, હથોડા, કટવાની, ડિસમિસ જેવી વસ્તુઓ પડેલી જોવા મળી. શંકાના આધારે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક અજાણ્યો શખ્સ બારી મારફતે બેંકમાં પ્રવેશ કરતો અને કેમેરાના લેન્સ પર સ્પ્રે છાંટતો સ્પષ્ટ રીતે નજરે પડ્યો હતો.
ફૂટેજ મુજબ તે જ સમયે સિક્યુરીટી સાયરન વાગતાં તસ્કર નાસી ગયો હતો. બાદમાં બેંકમાં તપાસ કરતાં કોઈ રોકડ, દાગીના કે દસ્તાવેજોની ચોરી થયેલી ન હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ વિરપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધાઈ ગયો છે અને સીસીટીવીના આધારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસનું માનવું છે કે સાયરન સિસ્ટમ સમયસર સક્રિય થતાં મોટી ચોરી ટળી છે. હાલ પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


