- 2020માં ગલવાન ઘાટીમાં ભીષણ અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ
- સરહદ વિવાદને ઉકેલવા માટે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ
- ભારત-ચીન કોર કમાન્ડર સ્તરની 21માં તબક્કાની વાટાઘાટો 19 ફેબ્રુઆરીએ મળી
ભારત અને ચીને પૂર્વી લદ્દાખમાં સાડા ત્રણ વર્ષથી વધુ જૂના સરહદ વિવાદને ઉકેલવા માટે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ કર્યો હતો જેમાં બંને પક્ષો જમીન પર ‘શાંતિ અને સ્થિરતા’ જાળવવા સહમત થયા હતા પરંતુ ગતિરોધના સમાધાનને લઈને કોઈ સંકેત મળ્યા નથી.
વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું કે ભારત-ચીન કોર કમાન્ડર સ્તરની 21માં તબક્કાની વાટાઘાટો 19 ફેબ્રુઆરીએ ચુશુલ-મોલ્ડો બોર્ડર મીટિંગ પોઈન્ટ પર યોજાઇ હતી. ઘટનાક્રમથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે ભારતીય પક્ષે ડેપસાંગ અને ડેમચોક સંબંધિત પડતર મુદ્દાઓના નિરાકરણ માટે દબાણ કર્યું હતું, પરંતુ વાટાઘાટોમાં કોઈ નક્કર પ્રગતિ થઈ ન હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને પક્ષો સમાધાન માટે આગળના માર્ગો પર યોગ્ય સૈન્ય અને રાજદ્વારી તંત્ર દ્વારા સંપર્ક જાળવી રાખવા સહમત થયા છે. કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ ‘મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ’ વાતાવરણમાં યોજાયેલી વાટાઘાટોમાં મુદ્દાઓ પર તેમના મંતવ્યો શેર કર્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું, ‘બંને પક્ષો યોગ્ય સૈન્ય અને રાજદ્વારી તંત્રના માધ્યમથી આગળના માર્ગ પર સંપર્ક જાળવી રાખવા સહમત થયા છે. તેમણે વચગાળામાં સરહદી વિસ્તારોમાં જમીન પર શાંતિ જાળવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
સંપર્કમાં રહેવા સહમતી સધાઈ
બેજિંગમાં ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બંને સેના વર્તમાન સરહદી મુદ્દાઓ પર સંપર્ક જાળવી રાખવા માટે સહમત થઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વાટાઘાટો ચીન તરફે મોલ્ડો-ચુશુલ બોર્ડર મીટિંગ પોઈન્ટ પર થઈ હતી. ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષોએ પરસ્પર ચિંતાના સરહદી મુદ્દાઓને ઉકેલવા પર હકારાત્મક, ઊંડાણપૂર્વક અને રચનાત્મક ચર્ચા કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વહેલામાં વહેલી તકે સ્વીકાર્ય ઉકેલ સુધી પહોંચવા માટે બંને દેશોના નેતાઓની નોંધપાત્ર સર્વસંમતિ દ્વારા સંચાલિત, લશ્કરી અને રાજદ્વારી માધ્યમો દ્વારા સંપર્કમાં રહેવા માટે સહમત થયા છે.
ગત બેઠકોમાં શું થયું હતું?
સૈન્ય વાટાઘાટોનો 20મો રાઉન્ડ 9 અને 10 ઓક્ટોબરે યોજાયો હતો. વાટાઘાટોના તે રાઉન્ડ બાદ, વિદેશ મંત્રાલયે જાનવ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર બાકી રહેલા મુદ્દાઓના વહેલા અને પરસ્પર સ્વીકાર્ય નિરાકરણ માટે બંને પક્ષોએ નિખાલસ, ખુલ્લા અને રચનાત્મક રીતે મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. ગયા મહિને આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં LAC પર સ્થિતિ ‘સ્થિર’ છે પરંતુ ‘સંવેદનશીલ’ છે. તેમણે કહ્યું હતું કે ભારતીય સૈનિકો કોઈપણ પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરની ઓપરેશનલ તૈયારી જાળવી રાખે છે. જનરલ પાંડેએ એમ પણ કહ્યું કે ભારત અને ચીન બંને 2020 ના મધ્યમાં અસ્તિત્વમાં રહેલી ‘સ્થિતિ’ પર પાછા ફરવાના ઉદ્દેશ્ય સાથે સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાતચીત ચાલુ રાખી રહ્યા છે.
પૂર્વી લદ્દાખમાં ગતિરોધ યથાવત
ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે પૂર્વ લદાખમાં કેટલાક પોઈન્ટ પર ગતિરોધ ચાલી રહ્યો છે, જ્યારે બંને પક્ષો વ્યાપક રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટો બાદ ઘણા વિસ્તારોમાંથી સૈનિકો પરત બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે. ચર્ચાઓમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહ મુખ્યમથક 14મી કોરના કમાન્ડર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ચીનની ટીમનું નેતૃત્વ દક્ષિણ શિનજિયાંગ લશ્કરી જિલ્લાના કમાન્ડર દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતનું કહેવું હતું કે સરહદી વિસ્તારોમાં જ્યાં સુધી શાંતિ નહિ સ્થપાય ત્યાં સુધી તેની સાથે સંબંધો સામાન્ય નહિ થઈ શકે. પેંગોંગ લેક વિસ્તારમાં હિંસક અથડામણને પગલે 5 મે, 2020 ના રોજ પૂર્વી લદ્દાખ સરહદ પર ગતિરોધ શરૂ થયો હતો.
જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભીષણ અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. બે દાયકામાં બંને પક્ષો વચ્ચેનો આ સૌથી મોટો સૈન્ય સંઘર્ષ હતો. તબક્કાવારની લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોને પરિણામએ, બંને પક્ષોએ 2021માં પેંગોંગ લેકના ઉત્તરી અને દક્ષિણી કિનારે તેમજ ગોગરા પ્રદેશમાંથી સૈનિકો પરત બોલાવ્યા હતા.


