- 168 વાહનો ચોર્યા તેમાંથી 30 વાહનો જપ્ત, પિરાણા પાસે ખુલ્લા પ્લોટમાં વાહનો મૂકતો
- ચોરી કરેલા વાહનમાં પેટ્રોલ પૂર્ણ થાય એટલે તે જગ્યાએ મૂકીને બીજું વાહન ચોરીને ફરતો
- ચોરીની એવી આદત પડી હતી કે વાહનની કે નાણાંની જરૂર ન હોય તો પણ ચોરી કરતો
શહેરના વિવિધ વિસ્તારોમાંથી 168 ટુ-વ્હીલરોની ચોરી કરનાર કરોડપતિ ચોરને ક્રાઇમ બ્રાન્ચે પીરાણા પાસેથી ઝડપી પાડયો છે, આરોપી મોજશોખ પૂરા કરવા ડુપ્લિકેટ ચાવીથી વાહનોની ચોરી કરતો હતો. મહત્ત્વનું છે કે, એક વાહનની ચોરી કર્યા બાદ તેમાં પેટ્રોલ પૂર્ણ થતાં તેને ત્યાં જ મૂકીને અન્ય વાહનની ચોરી કરીને ફરતો હતો. આરોપી ચોરીના વાહનો પિરાણા પાસેની એક ખુલ્લી જગ્યામાં મૂકી રાખતો હતો. પોલીસે હાલ 30 વાહનો કબ્જે કર્યા છે, જેમાં આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરાઈ છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી વર્ષ 2015થી વાહનોની ચોરી કરવા ટેવાયેલો છે.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, પિરાણા પાસે ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં વાહનોનો જથ્થો બિનવારસી હાલતમાં છે. જેના આધારે પોલીસે શંકાસ્પદ રીતે સ્કૂટર પર ફરી રહેલા શાહીબાગના હિતેશ કુટરમલ જૈનને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, બિનવારસી હાલતમાં પડેલા 30 વાહનોની ચોરી કરી હતી. આરોપી વર્ષ 2023માં જ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાંથી કુલ 80થી વધુ વાહનો ચોર્યા હતા. તે પહેલાં તે 87 જેટલા સ્કૂટરની ચોરીમાં સંડોવાયેલો હતો. આમ તેણે વર્ષ 2015થી અત્યાર સુધીમાં કુલ 168 જેટલા સ્કૂટરની ઉઠાંતરી કરી હતી. તે ડુપ્લિકેટ ચાવીથી જૂના ઘસાયેલા વાહનોને ટાર્ગેટ કરતો અને ચોરી કર્યા પછી તે લઇને ફ્રતો હતો. પેટ્રોલ ખુટી જતા તે રસ્તામાં અથવા થોડું પેટ્રોલ પુરાવીને પિરાણા પાસેની ખુલ્લી જગ્યામાં મુકતો હતો.
આૃર્યની વાત એ છે કે, તેણે અત્યાર સુધીમાં એકપણ સ્કૂટરનું વેચાણ કર્યું નથી. હિતેશ ત્રણ વાર સુરત, પોરબંદર અને રાજકોટમાં પાસા હેઠળ જેલની સજા કાપી ચૂક્યો છે. જો કે તેને સ્કૂટર ચોરીની આદત પડી ગઇ હોવાથી તે વાહનની જરૂરિયાત ન હોય તો પણ તે ચોરી કરતો હતો અને વાહનને ફેરવીને બિનવારસી મૂકતો હતો. અનેકવાર એક જ દિવસમાં બેથી વધુ સ્કૂટરની ચોરી કર્યાની કબૂલાત કરી છે. તે ઇ-મેમોથી બચવા નંબરપ્લેટ સાથે ચેડાં કરતો હતો.
હિતેશના પિતા શાહીબાગમાં સાડીની દુકાન ધરાવતા હતા
હિતેશ ધોરણ 10 પાસ છે અને તેના પિતા પહેલાં શાહીબાગમાં સાડીની દુકાન ધરાવતા હતા. આ ઉપરાંત બે ફ્લેટ પણ છે. હિતેશ દારૂ પીવાનો શોખીન હોવાથી તેમજ અન્ય મોજશોખ માટે વાહનોની ચોરી કરતો હોવાનું પૂછપરછમાં જણાવ્યું હતું.
વાહનોમાંથી સ્પેરપાટ્ર્સ કાઢીને 200થી 500માં વેચતો હતો
આરોપી ચોરીના વાહનોમાંથી સ્પેરપાર્ટસ કાઢીને રૂ. 200 થી 500માં વેચી કાઢતો હતો. તે રૂપિયાથી તે મોજશોખ કરતો હતો. મોટાભાગના રૂપિયા તે દારૂ પીવા પાછળ જ ખર્ચતો હતો.


