- મેં એક સફરજન ખરીદીને, મારી સામે મૂકી દીધું અને મારા મનને કહ્યું, `ચાલ ખાઈ લે.’ પરંતુ મારા મનની શું મજાલ જે આજ્ઞા વગર ખાઈ શકે
એક ખૂબ જ વિદ્વાન સંત હતા. તેમના અનેક શિષ્યો હતા, પરંતુ તેમાંથી ચાર વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ ખૂબ જ બુદ્ધિશાળી હતા અને ગુરુને પણ તે અતિપ્રિય હતા. તેણે પોતાના ચાર ચાર શિષ્યોને અનેક કલાઓમાં નિપુણ કર્યા. એક વખત તેમને વિચાર આવ્યો કે ચારેય શિષ્યોને મેં સારામાં સારું શિક્ષણ અને જ્ઞાન આપ્યું છે.
તો આ જ્ઞાન તેમણે યોગ્ય રીતે ગ્રહણ કર્યું છે કે નહીં તે જાણવું જોઈએ. જ્યારે તેમની શિક્ષા પૂર્ણ થઈ ત્યારે સંતે પોતાના શિષ્યોને પૂછ્યું કે મારા દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓમાં તમને કઈ શિક્ષા કે જ્ઞાન ખૂબ જ ઉપયોગી લાગ્યું?
સંતની આ વાત સાંભળીને પહેલો શિષ્ય બોલ્યો, `ગુરુજી, મને તમારા દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓમાં મને સૌથી વધારે ઉપયોગી મંત્ર બોલીને થોડીક જ પળોમાં આગને કાબૂમાં લેવાની વાત લાગી.’ બીજો શિષ્ય બોલ્યો, `મને પાણી પર ચાલવાની કળા સૌથી વધારે ઉપયોગી લાગી.’ ત્રીજો બોલ્યો, `ગુરુજી, મને તો ભયંકર વાવાઝોડાંને પળવારમાં શાંત કરવાની કળા ખૂબ જ ઉપયોગી લાગી. ‘ ચોથો શિષ્ય બોલ્યો, `ગુરુજી, મને સૌથી વધારે ઉપયોગી કળા મન પર નિયંત્રણ રાખવાની લાગી.’
ગુરુજીએ બધાના જવાબ સાંભળ્યા, પરંતુ ચોથા શિષ્યનો જવાબ સાંભળીને તેઓ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, `પુત્ર! વાસ્તવમાં તેં જ મારા દ્વારા આપવામાં આવેલી શિક્ષાને યોગ્ય રીતે ગ્રહણ કરી છે, કારણ કે કોઈ પણ શિક્ષા કે કાર્યને કરતાં પહેલાં મનને નિયંત્રિત કરવું ખૂબ જ આવશ્યક છે. મન અત્યંત ચંચળ હોય છે અને તે પળ વારમાં ડગી જાય છે. આથી જેણે મન પર નિયંત્રણ કરી લીધું તેણે પોતાનું જીવન સફળ કરી લીધું.’
ગુરુજીની આ વાત સાંભળીને અન્ય શિષ્યો લજ્જિત થઈ ગયા. સ્વામી રામતીર્થ તો પોતાના મનને નિયંત્રિત કરવા માટે જાતે જ પોતાની પરીક્ષા કરતા હતા. સ્વામી રામતીર્થ મનને નિયંત્રિત કરવા માટે પોતાના જીવનની એક ઘટના જણાવતાં કહે છે કે એક વખત મેં જોયું કે ફળ વેચતા એક વેપારીએ સારાં-સારાં સુંદર લાલ સફરજન સજાવીને રાખેલાં હતાં. મારું મન આટલાં સુંદર સફરજન જોઈને લલચાઈ ગયું અને તેને પ્રાપ્ત કરવાની લાલસા મારા મનમાં જાગી. મારા મને જાતજાતની લાલચ આપી કે સફરજનથી સ્વાસ્થ્ય સારું થશે, લોહીમાં લોહતત્ત્વની માત્રા વધશે, લોહી શુદ્ધ રહેશે, પરંતુ હું એ જ સમયે સચેત થઈ ગયો કે આજે મારા મનને પણ શિક્ષા આપવી છે. મેં એક સફરજન ખરીદીને, મારી સામે મૂકી દીધું અને મારા મનને કહ્યું, `ચાલ ખાઈ લે.’ પરંતુ મારા મનની શું મજાલ જે આજ્ઞા વગર ખાઈ શકે. તે સુંદર સફરજન ત્યાં જ પડ્યું પડ્યું સડી ગયું.