- અવામી લીગના અનેક નેતાઓ બાંગ્લાદેશ છોડીને ફરાર થઈ ગયા છે
- બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ અગાઉ પણ દેશ છોડવાની કરી હતી કોશિશ
- સુપ્રીમ કોર્ટના જજ મોહમ્મદ બદ્રુઝમાન પણ બાંગ્લાદેશ છોડી ફરાર
બાંગ્લાદેશ હાલમાં ભારે અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તખ્તાપલટ અને શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ તેમની ભૂતપૂર્વ કેબિનેટના મંત્રીઓ પર એક પછી એક મુશ્કેલીઓ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની ઢાકા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રી દેશ છોડવાનો કરી રહ્યા હતા પ્રયાસ
ઢાકા ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ શેખ હસીનાની સરકારમાં વિદેશ મંત્રી રહેલા મહમૂદ બાંગ્લાદેશ છોડીને બહાર જવાની ફિરાકમાં છે. તેમને ઢાકાના હજરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી અટકાયત કરવામાં આવી છે.તે ફ્લાઈટ મારફતે ભારત આવવાના હતા, તે દરમિયાન તેમને એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, મહમૂદે આ પહેલા પણ રોડ માર્ગે બાંગ્લાદેશથી ભારત આવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો.
શેખ હસીના કેબિનેટના કયા મંત્રીઓએ બાંગ્લાદેશ છોડી દીધું છે?
બાંગ્લાદેશમાં તખ્તાપલટ પહેલા જ શેખ હસીનાની અવામી લિંગ પાર્ટીના કેટલાક મોટા નેતોઓ અને પૂર્વ કેબિનેટ મંત્રીઓ દેશ છોડી ચૂક્યા છે. અવામી લિંગના મહાસચિવ અને માર્ગ પરિવહન મંત્રી અબ્દુલ ક્વાદર રવિવાર રાત્રે જ દેશ છોડીને ફરાર થઈ ગયા છે. તેમની સાથે જ હસીનાના રાજીનામાં પહેલા જ તેમની સરકારના મંત્રી અનિસુલ હક દેશ છોડીને કોઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે.શેખ હસીનાની સરકારમાં ટેલિકોમ મંત્રી રહેલ જુનૈદ અહેમદની પણ અટકાયત કરવામાં આવી છે. તેને દેશ છોડવા દેવામાં આવ્યો ન હતો. તેની અટકાયત કરીને એરફોર્સને સોંપવામાં આવ્યો હતો.
શેખ હસીનાના રોકાણ સલાહકાર સહિત અને નેતાઓ બાંગ્લાદેશ છો઼ડી દીધું
શેખ હસીનાના રોકાણ સલાહકાર અને સાંસદ સલમાન એફ. રહમાન પણ રવિવાર રાત્રે જ દેશ છોડીને ફરાર થઈ ગયા છે. ઢાકા સાઉથ સિટી કોર્પોરેશનના મેયર અને હસીનાનો ભત્રીજો શેખ ફજ્લ નૂર તપોશ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે શનિવાર સવારે સિંગાપુર જતી ફ્લાઈટમાં રવાના થઈ ગયા હતા. આ સાથે હસીના સરકારના વિવાદાસ્પદ સાંસદ શમીમ ઓસ્માને પણ ગયા અઠવાડિયે દેશ છોડી દીધો હતો.
પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ નાણામંત્રીએ પણ બાંગ્લાદેશ છોડી ચૂક્યા છે
પૂર્વ શિક્ષણ મંત્રી મોહિબુલ હસન ચૌધરી અને ગ્રામીણ વિકાસ મંત્રી મોહમ્મદ તજુલ ઈસ્લામે પણ દેશ છોડી દીધો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ નાણામંત્રી અબુલ હસન મહમૂદ અલી અને રમતગમત મંત્રી નજ્મુલ હસન પાપોને પણ દેશ છોડી દીધો છે. સુપ્રીમ કોર્ટના જજ મોહમ્મદ બદ્રુઝમાન પણ બાંગ્લાદેશ છોડી ચૂક્યા છે.
તખ્તાપટલ બાદ બાંગ્લાદેશમાં હિંસા
ઉલ્લેખનીય છેકે, બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. રાજીનામું આપી દેશ છોડનાર શેખ હસીના હાલ ભારતમાં છે. તેમની કટ્ટર દુશ્મન ખાલિદા ઝિયા ગમે ત્યારે જેલમાંથી બહાર આવી શકે છે. આ દરમિયાન ખાલિદાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ સંસદને તાત્કાલિક વિસર્જન કરવા અને શક્ય તેટલી વહેલી તકે વચગાળાની સરકારની રચના કરવા વિનંતી કરી છે.


