- માત્ર રવિવારે કર્યા 65 હજારથી વધુ ભક્તોએ દર્શન
- પિયુષ ગોયલે લગભગ 3 કલાક મંદિરની સુંદરતા નિહાળી
- અનેક ભક્તો દર્શન કરીને અનુભવી રહ્યા છે ધન્યતા
UAEના અબુધાબી માં બનેલ પહેલા હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ મંદિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થાય બાદ હવે 1 માર્ચથી સામાન્ય ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા 5 દિવસથી અહી શ્રદ્ધાનો રિતસરનો દરિયો છલકાયો હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. અબુધાબીના હિન્દુ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે અ ભક્તોમાં એક નામ ભારતના રેલવે મંત્રી પિયુષ ગોયલનું પણ છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ UAEના BAPS હિન્દુ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા છે.
રવિવારે 65,000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
સામાન્ય ભક્તો માટે મંદિર ખુલ્લુ મૂક્યા બાદ પહેલા રવિવારે BAPS હિન્દુ મંદિરમાં 65,000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે સવારના સમયે 40 હજાર અને સાંજે 25 હજાર ભક્તોએ દર્શન કર્યા હતા. આ દરમિયાન મંદિરનું વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું. અબુ ધાબીથી આવેલા સુમંત રાયે જણાવે છે કે હજારો લોકોની વચ્ચે આટલો અદભૂત ક્રમ ક્યારેય નાથી જોયો. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને શાંતિથી દર્શન નહીં કરી શકીશું, પરંતુ અમે અદ્ભુત દર્શન કર્યા અને અત્યંત સંતુષ્ટ થયા. તમામ BAPS સ્વયંસેવકો અને મંદિરના કર્મચારીઓને સલામ.
ગોયલ મંદિરની સુંદરતા નિહાળતા જોવા મળ્યા
આ જ રીતે સોમવારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ UAEના અબુધાબી ખાતે BAPS હિન્દુ મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પિયુષ ગોયલે મંદિર પરિસરમાં લગભગ 3 કલાક જેટલો સમય વિતાવ્યો હતો. ગોયલ મંદિરની સુંદરતા નિહાળતા જોવા મળ્યા હતા.
PM મોદીના હસ્તે શિલાન્યાસ અને ઉદ્ઘાટન
UAEમાં હિંદુ મંદિર બનાવવાની ચર્ચા 2015 થી ચાલી રહી હતી. વર્ષ 2018માં વડાપ્રધાન મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને 14 ફેબ્રુઆરી 2024ના રોજ તેમણે જ મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ઉદ્ઘાટન સમયે પીએમ મોદીને સાંભળવા માટે દુનિયાભરમાંથી લગભગ 65 હજાર લોકો એકઠા થયા હતા.
અબુ ધાબી મંદિરમાં મંદિર બનાવવા માટે આરબ સરકારે માટે જમીન દાનમાં આપી છે. સમગ્ર મંદિર પરિસર 27 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરનું નિર્માણ લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. તાજેતરમાં, ભારતના અયોધ્યામાં બનેલા રામ મંદિરની જેમ, નાગર શૈલીમાં હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે.
UAEના હિન્દુ મંદિરનું નિર્માણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થાએ દુનિયાભરમાં અનેક મોટા મંદિરો બનાવ્યા છે. નવી દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિર અને ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિરનું નિર્માણ પણ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.


