સીટનો રિપોર્ટ કયારે આવશે? તેવો સવાલ પત્રકારોએ કરતાં રાઘવજીભાઇ પટેલે જવાબ ટાળ્યો
ટીઆરપી આગકાંડની તપાસ ત્રણ-ત્રણ સમિતિ કરી રહી છે અને સમગ્ર રાજકોટ અને ગુજરાતને આ તપાસમાં આરોપીઓને સજા થાય છે કે કેમ અને બનાવની પાછળ સુત્રધાર રહેલા ટોચના અધિકારીઓ, પદાધિકારીઓ સામે પગલા લેવાય છે કે કેમ તેની રાહ છે ત્યારે સરકારી તંત્ર હવે આ બનાવમાંથી બહાર નીકળી નવી-નવી જાહેરાતો કરી રહ્યું છે. રાજકોટના પ્રભારી, કૃષિ કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે આજરોજ યોજેલી એક પત્રકાર પરિષદમાં ટીઆરપી કાંડની તપાસ કરતી સમિતિનો રિપોર્ટ કયારે આવશે અને શું આવશે તે સવાલનો જવાબ ટાળી દીધો હતો.
મંત્રીશ્રી રાજય સરકારના મગના ટેકાના ભાવની જાહેરાતનો એજન્ડા લઇ પત્રકાર પરિષદમાં આવ્યા હતા. તેમણે ટીઆરપી કાંડ કે અન્ય સવાલોમાં ખાસ રસ દાખવ્યો ન હતો. રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે સમયસર ટેકાના ભાવો જાહેર કર્યા છે. આ સાથે ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરાયા છે. ખાસ કરીને મગના ટેકાનો ભાવમાં રૂ.8,558 નક્કી થયો છે. જે ખૂબ જ વ્યાજબી છે. જે ખેડૂતોને માટે ખૂબ જ રાહત રૂપ બનશે. સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક છે તે અંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાની ચિંતા કરવા જેવી નથી. ચોમાસું થોડું રોકાઇ ગયું છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ ૧૦૪ ટકા વરસાદ થવાનો છે. હાલ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ છે. આવતા સપ્તાહમાં અતિભારે વરસાદની આગાહી સંદર્ભે તંત્રને એલર્ટ અપાયું છે.


