- કર્ણાટકના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ
- JDS નેતા કુમારસ્વામીના નિવેદનથી કોંગ્રેસની ચિંતા વધશે
- કોંગ્રેસના દિગ્ગજ નેતા ‘હેરાનગતિ’થી બચવા ભાજપમાં જોડાશે
દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ રવિવારે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમ્મે ત્યારે પડી શકે છે.
આ કારણે છોડશે પાર્ટી
કુમારસ્વામીએ નિવેદન આપતા કહ્યું છે કે કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલ કાનૂની હેરાનગતિથી બચવા માટે સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના એક દિગ્ગજ નેતા ભાજપમાં સામેલ થવા માટે વિચાર કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે મંત્રી 50થી 60 જેટલા ધારાસભ્યોની સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ શકે છે. તેના માટે તેઓ ભાજપના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે.
બધુ ઠીક નથી ચાલી રહ્યું: કુમારસ્વામી
JDS નેતાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું છે કે કોંગ્રેસમાં બધુ સારું નથી ચાલી રહ્યું. તેમને નથી ખબર કે સરકાર ક્યારે પડી જશે. એક મંત્રી પોતાના વિરુદ્ધ દાખલ કેસોથી બચવા માટે આતુર છે.
કોંગ્રેસ છોડનાર નેતા કોઈ નાના નેતા નથી
કુમારસ્વામીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે આ નેતા વિરુદ્ધ કેસો દાખલ કર્યા છે, જેનાથી બચવા માટેની કોઈ સંભાવના નથી. જ્યારે પત્રકારોએ આ નેતાના નામ અંગે પૂછ્યું તો કુમારસ્વામીએ કહ્યું કે તે કોઈ નાના નેતા નથી. નાના નેતા પાસેથી આવા પગલાંની આશા ન રાખી શકે. માત્ર દિગ્ગજ અને પ્રભાવશાળી નેતા જ આવું કરી શકે છે.
કર્ણાટકમાં ગમે ત્યારે થઈ શકે છે સત્તાપલટો
JDSના પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે કર્ણાટકમાં કોઈપણ સમયે મહારાષ્ટ્ર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તેમણે કહ્યું કે હાલના રાજકીય માહોલને જોતાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.


