- હર્ષ સંઘવીએ સુરતમાં અને જગદીશ પંચાલે ઓઢવમાં મતદારો વચ્ચે રહેવાનું પસંદ કર્યું
- મોટા એલઇડી સ્ક્રીન ઉપર અયોધ્યાના કાર્યક્રમનું પ્રસારણ જોશે
- હર્ષ સંઘવીએ પોતે પણ સુરતમાં મજુરા મતક્ષેત્રના મતદારો વચ્ચે રહીને પ્રસારણ માણવાનું પસંદ કર્યું છે
ગુજરાતના મંત્રીમંડળના સભ્યોએ આવતીકાલે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કોઈ એક સ્થળે ભેગા થઈને જોવાને બદલે પોતપોતાના મતવિસ્તારમાં મતદારો સાથે બેસીને માણવાનો માર્ગ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના ઘાટલોડિયા મતક્ષેત્રમાં પડતાં શીલજ ગામ ખાતે ઊભા કરાયેલા શામિયાનામાં મતદારો-મિત્રો-સ્નેહીઓ સાથે બેસી મોટા એલઇડી સ્ક્રીન ઉપર અયોધ્યાના કાર્યક્રમનું પ્રસારણ જોશે. એવી જ રીતે બાકીનાં 16 મંત્રીઓ પણ એમના વિસ્તારમાં રહીને પ્રસારણ જોશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે પણ સુરતમાં મજુરા મતક્ષેત્રના મતદારો વચ્ચે રહીને પ્રસારણ માણવાનું પસંદ કર્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કોબા ખાતેના પ્રદેશ ભાજપ કાર્યાલયને બદલે સુરતમાં એમના ટેકેદારો-મતદારો સાથે બેસીને પ્રસારણ જોવાના હોવાનું જણાવાઈ રહ્યું છે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, તેઓએ આવતીકાલે તેમના વિધાનસભા વિસ્તાર સિદ્ધપુર ખાતે દલિત રાવત સમાજના મંદિરના પ્રાંગણમાં તમામ સમાજોના લોકો સાથે બેસીને અયોધ્યાનું પ્રસારણ જોવા આયોજન કર્યું છે. જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ જામનગર રહી તેમના મતદારો સાથે જીવંત પ્રસારણ જોવાના છે. અમદાવાદમાં નિકોલનું પ્રતિનિધિત્વ કરતા એમએસએમઈ-સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ આવતીકાલે ઓઢવ ગામમાં માતાજીના મંદિરના પ્રાંગણમાં બેસી એલઇડી સ્ક્રીન ઉપર પ્રસારણ જોવાના છે.


