રામલલાના દર્શન માટે અયોધ્યામાં ભક્તોના ધસારો અને લાંબી કતારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સલાહ આપી હતી કે ટોચના પ્રધાનો ભવ્ય મંદિરની તેમની મુલાકાત ટાળે. મંગળવારે પ્રથમ દિવસે અંદાજિત 5 લાખ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડતાં પવિત્ર નગરીમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી હતી. બુધવારે રેપિડ એક્શન ફોર્સ (RAF)ના ડેપ્યુટી કમાન્ડન્ટ અરુણ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે, અમે એ સુનિશ્ચિત કરીશું કે ભક્તોને અસુવિધા ન થાય. મંદિરની અંદર અને બહાર લગભગ 1,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ તૈનાતી આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.
નાગરિકોને પડતી અસુવિધા અંગે ચિંતા વ્યક્ત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ ભક્તોના ભારે ધસારો અને વિસ્તૃત સુરક્ષા વિગતો સાથે મંદિરના નગરમાં VVIP અને VIP મુલાકાતોથી લોકોને પડતી અસુવિધા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેન્દ્રીયમંત્રીઓ માર્ચમાં તેમની અયોધ્યા મુલાકાતની યોજના કરે અથવા તેને સ્થગિત કરે. જેથી દર્શનમાં આવતાં દરેક નાગરિકો માટે સરળ અને વધુ સંગઠિત અનુભવ સુનિશ્ચિત થાય.
બુધવારે ભક્તો ભગવાન હનુમાનને લાડુ અર્પણ કરતા જોવા મળ્યાં
આ દરમિયાન બુધવારે મુલાકાતી ભક્તો અને સ્થાનિકોમાં ઉન્માદ અને ઉત્સાહ ખૂબ જ હતો કારણ કે, જ્યારે તેઓ મંદિરને દર્શન માટે ખોલવામાં આવ્યું હતું. શ્રી રામલલાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ અને સોમવારે ભવ્ય ઉદ્ઘાટન બાદ મંદિરમાં વધતાં જતાં લોકો જોવા મળ્યાં હતાં. ભક્તોનો ભારે ધસારો માત્ર રામ મંદિરમાં જ જોવા મળ્યો ન હતો પરંતુ નજીકના હનુમાન ગઢી મંદિરમાં પણ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન હનુમાનને લાડુ અર્પણ કરતા અને ‘પ્રસાદ’ વહેંચતા જોવા મળ્યા હતા.
24-28 જાન્યુઆરી રામના જન્મસ્થળે આંતરરાષ્ટ્રીય રામાયણ ઉત્સવ
આગામી થોડા દિવસોમાં મંદિરના નગરમાં ઉજવણીનું વાતાવરણ અને ઉત્સવ વધુ વિસ્તૃત થવાની સંભાવના છે કારણ કે, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ, નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થાના સાંસ્કૃતિક વિભાગ ઉત્તર પ્રદેશના સહયોગથી આયોજન કરશે. અયોધ્યામાં રામકથા પાર્ક અને તુલસી ઉદ્યાન ખાતે 24-28 જાન્યુઆરી સુધી ભગવાન રામના જન્મસ્થળ પર આંતરરાષ્ટ્રીય રામાયણ ઉત્સવ રહેશે. આંતરરાષ્ટ્રીય રામાયણ ઉત્સવમાં જે દેશોનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે જેમાં શ્રીલંકા, સિંગાપોર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મોરેશિયસ અને લાઓસનો સમાવેશ થશે.


