Updated: Oct 16th, 2023
Image Source: Twitter
– ખાંડના હિતધારકોમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, મોટા છૂટક વિક્રેતાઓ સામેલ
નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર
સરકારે ખાંડના વેપાર સાથે જોડાયેલા તમામ હિતધારકોને 17 ઓક્ટોબર એટલે કે, આવતી કાલ સુધીમાં ફૂડ મંત્રાલયની વેબસાઈટ પર પોતાના સ્ટોકનો ખુલાસો કરવાની અંતિમ ચેતવણી આપી છે. અને જો કોઈ આવું નહીં કરશે તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આવા વેપારીઓ પર દંડ અથવા પ્રતિબંધ પણ લાગી શકે છે.
ખાદ્ય મંત્રાલયે 23 સપ્ટેમ્બરે ખાંડના તમામ હિતધારકોને આદેશ આપ્યો હતો કે, તેમની વેબસાઈટ પર સાપ્તાહિક રૂપે પોતાના સ્ટોકની સ્થિતિની જાણ કરવી. પરંતુ મંત્રાલયને જાણવા મળ્યું કે, ખાંડના વેપાર અને સંગ્રહ સાથે સંકળાયેલા ઘણા હિતધારકોએ હજુ પણ ખાંડના સ્ટોક મેનેજમેન્ટ સિસ્ટમ પર પોતાનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું. ખાંડના હિતધારકોમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, મોટા છૂટક વિક્રેતાઓ સામેલ છે.
સરકાર સેલા ચોખા પર નિશ્ચિત નિકાસ જકાત લગાવે
ચોખાના નિકાસકારોએ સરળ વેપાર માટે કેન્દ્રને સેલા ચોખા માટે હાલની 20% ડ્યૂટીના બદલે એક નિશ્ચિત 80 ડોલર પ્રતિ ટન નિકાસ ડ્યૂટી લાદવાનો અનુરોધ કર્યો છે. ભારતીય ચોખા નિકાસકાર સંઘે સરકારને જુલાઈમાં સફેદ ચોખા પર લાદવામાં આવેલા નિકાસ પ્રતિબંધ પર પુનર્વિચાર કરવા અને બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમતને ઘટાડીને 850 ડોલર પ્રતિ ટન કરવાની પણ માંગ કરી છે.
ત્રણ દિગ્ગજ કંપનીઓમાં છટણી ચાલુ
દેશની ત્રણ દિગ્ગજ આઈટી કંપનીઓમાં છટણી ચાલુ છે. 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ઈન્ફોસિસના કર્મચારીઓની સંખ્યા ત્રિમાસિક ધોરણે 7,530 ઘટીને 3,28,764 રહી છે. TCSના કર્મચારીઓની સંખ્યા સપ્ટેમ્બરના અંતમાં 6,000 ઘટીને 6,08,985 રહી ગઈ છે. જો કે, તે ચાલુ નાણાકીય વર્ષમાં 40,000 ફ્રેશર્સની ભરતી કરશે.