નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને કામની ગુણવત્તા (ક્વોલિટી) જાળવવા માટે વધુ એકવાર આકરા શબ્દોમાં ટકોર કરી હતી.
નડિયાદમાં લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યની ટકોર
ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “રોડની ક્વોલિટી બરાબર એકદમ વ્યવસ્થિત થાય તેવું કરજો. રોડ બનાવવાની ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરશો નહીં.તેમણે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોને ચેતવણી આપતા ભારપૂર્વક કહ્યું હતું કે, “કોઈ ફરિયાદ ન આવે અને રોડ તૂટે નહીં એવું ખાસ કોન્ટ્રાક્ટરને કહું છું. તમારી ગેરંટી પિરિયડમાં જો રોડ તૂટશે, તો ફરી બનાવવો પડશે અને ડબલ પૈસા વપરાશે.” તેમણે શરૂઆતથી જ મજબૂત અને લાંબો ટકે તેવો રોડ બનાવવાની હિમાયત કરી હતી.
MLA પકંજ દેસાઇની કોન્ટ્રાક્ટર, એન્જિનિયરને ટકોર
ધારાસભ્ય દેસાઈએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી પાસે આ ખાતું છે, એટલે આ કામ વ્યવસ્થિત થાય તે જોવું આપણી સૌની ફરજ છે. પંકજ દેસાઈ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે કરવામાં આવેલી આ ટકોર દર્શાવે છે કે, તેઓ જાહેર બાંધકામોની ગુણવત્તાને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવા માંગતા નથી અને જનતાના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય તેના પર તેમનો ભાર છે.


