લોક અદાલતમાં મોબાઇલને કારણે ૧૮૧ દંપતિઓના જીવનમાં ખટરાગના કેસ આવ્યા
મોબાઇલને કારણે લફરુ, રંગેહાથ પકડાઇ ગયા હોય તેવા સાથીદારોના કેસ છૂટાછેડા સુધી પહોંચ્યા
અમુક કેસમાં મોબાઇલમાં જ મશગુલ રહેવાથી પતિ-પત્ની વચ્ચે આવી ગઇ હતી શારીરિક-માનસિક દૂરી
ટેકનોલોજી જયારે માણસના જીવન પર હાવી થઇ જાય છે ત્યારે તેના સારા પરિણામને બદલે દુષ્પરિણામ પણ ભોગવવા પડે છે. મોબાઇલના અનેક સારા પાસા હશે પરંતુ મોબાઇલનો સાચી રીતે ઉપયોગ કરતાં ન આવડતુ હોય અથવા મોબાઇલની ડિજીટલ દુનિયાની ચમક-દમકમાં આવી જવાથી લોકોના જીવન હવે હરામ થઇ રહ્યાં છે. વિદ્યાર્થીઓમાં સેકસ એડીકશન, ડ્રગ એડીકશન, શોપીંગ એડીકશન, ગેમ્બલીંગ એડીકશન અને ડિજીટલ એડીકશન આવી ગયું છે. જયારે દંપતિમાં મોબાઇલ એડીકશન હવે દાંપત્યજીવનમાં ખટરાગ ઉભુ કરતું હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં છુટા છુડાના ૧૮૧ કેસમાં દંપતિ વચ્ચે મોબાઇલ કોઇને કોઇ કારણોસર વિલન બન્યાનું બહાર આવ્યું છે.
રાજકોટની નવી કોર્ટમાં યોજાયેલી લોકઅદાલતમાં મુકાયેલા કેસમાં ૧૮૧ કેસ ફેમીલી કોર્ટની હતી. ૮૦ ટકા કેસ એવા હતા કે પતિ-પત્નિ વચ્ચે ઝઘડાના મુડમાં ક્યાંકને ક્યાંક મોબાઇલનું વળગણ હતુ. સોશિયલ મીડિયાથી મેરીટલ અફેરના કુંડાળામાં પગ મુકાઇ ગયો હોય અને પકડાઇ જતા વાત છૂટાછેડા સુધી આવી ગઇ હતી.
લોક અદાલતમાં મુકાયેલા કેસમાં ફેમીલી કોર્ટમાં જે ૧૮૧ કેસનું સમાધાન થયુ છે એે તમામ કેસનું ‘અગ્ર ગુજરાત’ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામા આવ્યુ હતુ. કેસનો વિસ્તૃત અભ્યાસ કરવામા આવ્યો. આખરે અદાલતની ચોખટ સુધી મામલો કેમ પહોંચ્યો? તેની પાછળના કારણો ક્યા હતા? વાંક કોનો હતો? પતિન વાંક હતો કે પત્નીનો વાંક હતો? એક એક બાબતોનો અભ્યાસ કરાતા એક મોટુ કારણ એ સામે આવ્યુ હતુ કે, દામ્પત્ય જીવનમાં મોબાઇલ નામના રાક્ષસે ઝેર ઘોળ્યુ હોય. મોબાઇલના વળગણના લીધે કાં તો પતિને પત્ની ઉપર અને કાં તો પત્નીને પતિ ઉપર શંકા જતી હોય. અમુક કેસ તો એવા હતા કે, લફરુ મોબાઇલમાં રંગેહાથ પકડાઇ જતા છુટાછેડા સુધી વાત આવી ગઇ હતી. એક જ ઘરમાં રહેતા હોય, સોફા પર બાજુ-બાજુમાં બેઠા હોય છતા એકબીજા સાથે પ્રેમની બે મીઠી વાતો કરવાના બદલે મોબાઇલમાં જ મશગુલ રહે છે. આવા અનેક કારણોના લીધે પતિ-પત્ની વચ્ચે દૂરી આવતી જાય છે.
ફેમીલી કોર્ટમાં આવેલા કેસમાં આ પણ છે અન્ય કારણો
- પતિ સમય નથી આપતો
- જોઇન્ટ ફેમીલીમાંથી અલગ થવા પત્નીની જીદ
- સાસુ-વહુના ઝઘડામાં પતિની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થતા મામલો છૂટાછેડા સુધી આવી જવો.
- પતિ દારૂ પીને મારકૂટ કરતો હતો
“મોબાઇલના કારણે ડોમેસ્ટિક વાયોલેન્સના કેસ વધતા જાય છે”
ડોમેસ્ટિક વાયોલેન્સના કેસની પ્રેકટિસ કરતા જાણીતા ધારાશાસ્ત્રી મહેશ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, પતિ-પત્નિ વચ્ચેના ઝઘડામાં મોબાઇલના લીધે સર્જાતા અલગ અલગ પ્રકરના પ્રશ્નો કારણભૂત હોય તેવા કેસ વધતા જાય છે. અમારો પ્રયાસ તો સમાધાનનો જ હોય છે. સાથોસાથ પતિ અને પત્ની બન્નેને એવી સલાહ પણ આપવામા આવે છે કે, મોબાઇલમાં સમય પસાર કરવાના બદલે પરસ્પર એકબીજાને સમય આપો. રવિવારે કે રજાના દિવસે પરિવાર સાથે આઉટીંગમાં જાવ અને મોબાઇલને એક દિવસ પુરતી રજા આપો. કાં તો જરૂરિયાત પુરતો જ ઉપયોગ કરવો.


