કપડા ધોવાનું લિક્વિડ પી લેતાં સિવિલમાં ખસેડાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રૈયા રોડ પર આવેલા ક્વાર્ટરમાં રહેતી 17 વર્ષની વિદ્યાર્થીનીએ પિતા સાથે મોબાઇલ બાબતે થયેલી ચડભડ બાદ કપડા ધોવાનું લિક્વિડ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ, ધોરણ-11માં અભ્યાસ કરતી આ છાત્રા સાંજે ઘરે હતી ત્યારે તેણે અભ્યાસ માટે પિતાનો મોબાઇલ ફોન લીધો હતો. પિતાએ મોબાઇલ પરત માંગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પિતાએ લાફો મારતાં યુવતીને ભારે લાગી આવ્યું હતું. મન પર થયેલા આઘાતના કારણે તેણે અચાનક કપડા ધોવાનું લિક્વિડ પી લીધું હતું.
લિક્વિડ પી લીધા બાદ યુવતીને ઉલ્ટીઓ શરૂ થતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તરત જ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. યુવતી બે બહેન અને ચાર ભાઈમાં ત્રીજા ક્રમે છે. હાલ તેણીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા યુવતીના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.


