- વેરો ન ભરતા રહીશોના 47 નળ કનેક્શન કાપ્યા, 5 દુકાનોને સીલ માર્યા
- દુકાનોને સીલ મારી દેવા સુધીની પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર
- વેરા વસૂલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા બાકીદારો સામે કડક કાર્યવાહી
મોડાસા નગરપાલિકાએ વેરા વસૂલાત માટે 17 જેટલા બાકીદારોના નળ જોડાણ કાપી નાખ્યા હતા. અત્યારસુધીમાં મોડાસા પાલિકા દ્વારા કુલ 47 નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે અને વસૂલાત માટે કડક કાર્યવાહી કરવા માંડી છે. આગામી દિવસોમાં લાંબા સમયના બાકીદારોની મિલકતો ઉપર બોજો નાખવાની અને દુકાનોને સીલ મારી દેવા સુધીની પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
મોડાસા નગરપાલિકાએ 3.57 કરોડ પાછલો અને 1. 24 કરોડ ચાલુ વર્ષનો વેરો વસૂલ કરવા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવા માંડી છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લાંબા સમયથી વેરો ન ભરતા બાકીદારોના નળ જોડાણ કાપવાથી માંડી મિલકતોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. વસૂલાત માટે પાલિકાની છ ટીમો દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં બાકીદારોના 17 નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. શહેરના કસ્બા ઈન્દીરાનગર, મોઘલવાડા, જમાદાર ચોક સહિતના વિસ્તારોમાં પાંચ હજારથી વધુ રકમના 17 બાકીદારોના નળ જોડાણ કાપી નખાતાં બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે મોડાસા પાલિકા વેરા વસૂલાત વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ કે,અત્યાર સુધીમાં પાલિકા ચાલુ વર્ષની 74 ટકા અને પાછલી તેમજ અત્યારની મળી કુલ 50 ટકા વસૂલાત કરી છે. આગામી દિવસોમાં વેરા વસૂલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. લાંબા સમયથી વેરો ન ભરતા રહીશોની મિલકતો ઉપર બોજો પાડવાની પણ આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.


