- 290 પેજના સ્ટેચ્યૂટ્સમાં NEPના અમલની યુનિ.ઓને સરકારની તાકીદ
- પરીક્ષા, પ્રવેશ, સજા, નિમણૂકો સહિતના 300 મુદ્દાનો સ્ટેચ્યૂટ્સમાં સમાવેશ
- એક્ટ મુજબ વાઈસ ચાન્સેલરને સંપૂર્ણ ઓટોનોમિ આપવામાં આવી છે
નવી શિક્ષણનીતિના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 11 યુનિવર્સિટીમાં ‘ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ-2023’ લાગુ કરવામાં આવ્યો છે. કોમન એક્ટ લાગુ થયાના 115 દિવસ બાદ સરકાર દ્વારા હવે 290 પેજમાં મોડેલ સ્ટેચ્યૂટ્સ પણ જાહેર કરી દેવામાં આવ્યાં છે. જાહેર થયેલા મોડેલ સ્ટેચ્યૂટ્સમાં યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા, પદવીદાન, માનદ પદવી, કોલેજોની માન્યતા, હોસ્ટેલ સહિતના 300 જેટલા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ 11 યુનિવર્સિટીઓમાં ગત 9મી ઓક્ટોબર-2023થી ‘ગુજરાત પબ્લિગ યુનિવર્સિટીઝ એક્ટ-2023’ લાગુ થયો છે. એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા મોડેલ સ્ટેચ્યૂટ્સ જાહેર કરવામાં આવ્યાં છે. યુનિવર્સિટી-કોલેજોની એકેડેમિક તેમજ વહિવટી બાબતોને આવરી લેતા 300 જેટલા મુદ્દા, જોગવાઈ અને નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. એક્ટ મુજબ વાઈસ ચાન્સેલરને સંપૂર્ણ ઓટોનોમિ આપવામાં આવી છે, પરંતુ જવાબદારીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત 10 જેટલા બોર્ડ રચવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે બોર્ડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, બોર્ડ ઓફ સ્ટુડન્ટ્સ ડેવલપમેન્ટ, બોર્ડ ઓફ ઈનોવેશન જેવા 10 બોર્ડ રચવામાં આવશે. દરેક બોર્ડની કામગીરી અને તેની નિમણુકની પણ સ્પષ્ટતા કરી દેવાઈ છે. આ સિવાય સજાની પણ સ્પષ્ટતાઓ કરાઈ છે, જેમાં વિદ્યાર્થી કે અધ્યાપક દ્વારા ગુનો કરવામાં આવે અથવા કોઈ સાધન સામગ્રીને નુકસાન પહોંચાડાય તો તેની તપાસ કરાવી વસુલાત કરી શકાશે અને માઈનલ પેનલ્ટ તેમજ મોટી સજામાં તાત્કાલિક તપાસ કમિટી રચવાની જોગવાઈ કરાઈ છે. તમામ એપોઈમેન્ટ યુજીસીના નિયમો મુજબ કરવી તેમજ યુનિવર્સિટીઓમાં ફોરેન કેમ્પસ સ્થાપવાની પણ જોગવાઈઓ કરવામાં આવી છે.
પરિણામ જાહેર થયાના 120 દિવસની અંદર દીક્ષાંત સમારોહ યોજવાનો રહેશે
યુનિ.ઓમાં દીક્ષાંત સમારોહમાં ઘણી વખત વિલંબ થતો હોય છે, જેથી સ્ટેચ્યૂટ્સમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, પરિણામ જાહેર થયાના 120 દિવસની અંદર દીક્ષાંત સમારોહનું આયોજન કરી દેવાનું રહેશે. જેમાં યુનિ. દર વર્ષે બે કરતાં વધુ માનદ પદવી અથવા શૈક્ષણિક વિશિષ્ટતા પ્રદાર નહી કરી શકે.
વાઈસ ચાન્સેલરને દૂર કરવા હોય તો પણ કમિટી
કોઈપણ યુનિ.ના વાઈસ ચાન્સેલર સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિ કે નિયમોનું ઉલ્લંઘનની ફરિયાદ ઉઠે તો તેની તપાસ માટે કમિટી નિમવાની જોગવાઈ કરાઈ છે. આ કમિટીમાં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ, નિવૃત્ત વાઈસ ચાન્સેલર અને ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ એમ ત્રણ જણની કમિટી નિમી શકાશે. આ કમિટી દ્વારા તપાસ હાથ ધરાશે અને જો તપાસમાં વાઈસ ચાન્સેલર કસૂરવાર ઠરશે તો તેમની હકાલપટ્ટી થશે.
યુનિ.ઓ ફંડમાથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી શકશે
યુનિવર્સિટી પાસે રહેલ ફંડમાથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપી શકશે અને તે અંગેના નીતિ નિયમો પણ ઘડવામાં આવ્યાં છે. જેનાથી યુનિ.ઓને નેક અને વર્લ્ડ રેન્કિંગમાં ફાયદો થશે.
કોમન એડમિશન પોર્ટલનો અમલ ફરજિયાત
રાજ્ય સરકાર દ્વારા કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ જાહેર કરાયું છે. જેથી આ પોર્ટલ અંતર્ગત જ પ્રવેશ આપવાનો રહેશે. આ સિવાય પરિણામ તેમજ અન્ય બાબતોની પણ સ્પષ્ટતા કરી દેવાઈ છે.


