- એક જ દિવસમાં ચાર સ્થળે પાંચ લાખથી વધારે નાગરિકોને સંબોધન કર્યું
- તરભમાં PM મોદીએ ભાજપના જૂનાજોગીઓ સાથે તાર જોડયા, કહ્યું- ગામવાળા દેખાયા
- જામનગરમાં રાત્રી રોકાણ બાદ રવિવારે તેઓ દ્વારકા, રાજકોટમાં જનસભાઓ સંબોધશે
લોકસભાની ચૂંટણી માર્ચના પહેલા કે બીજા સપ્તાહે જાહેર થાય તેના 10 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ગુરૂવારે એક જ દિવસમાં અમદાવાદ અને ઉત્તર શરૂ કરીને છેક દક્ષિણ ગુજરાત વચ્ચેના ક્ષેત્રોમાં રૂપિયા 67 હજાર કરોડના વિકાસકાર્યોના લોકાપર્ણ, ખાતમુહૂર્તો માટે ચાર સ્થળે યોજાયેલી સભામાં તેમણે પાંચ લાખથી વધારે નાગરિકોને સંબોધન કર્યુ હતુ. ચૂંટણી પૂર્વે નાગરિકો સાથે સીધા સંપર્ક- સંવાદનો બીજો પડાવ શનિવારેથી સૌરાષ્ટ્રમાં રહેશે. જામનગરમાં રાત્રી રોકાણ બાદ રવિવારે તેઓ દ્વારકા, રાજકોટમાં જનસભાઓ સંબોધશે.
અમદાવાદમાં સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના એક લાખ પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને ખેડૂતોના સહકાર સંમેલનને સંબોધ્યા બાદ મહેસાણાના તરભમાં PM નરેન્દ્ર મોદીએ ભાજપના અનેક જૂનાજોગીઓ, સાથીદારોને હાથ ઊંચા કરીને અભિવાદન કર્યુ હતુ. તેમણે સંબોધનમાં પણ ”મારા ગામવાળાય મને વચ્ચે વચ્ચે ક્યાંક દેખાતા હતા” એમ કહી જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. તરભમાં દોઢ લાખ, નવસારીમાં એક લાખથી વધુ, આદિવાસી બાહુલ્ય તાપીના કાંકરાપારની સભામાં પણ લાખોની જનમેદનીને તેમણે સંબોધી હતી. હવે સૌરાષ્ટ્રમાં બે દિવસમાં બે મોટી સભાઓ થકી ચૂંટણી જાહેર થયા પહેલા જ પ્રચારકાર્યને આગળ ધપાવશે. પોતાની સરકારે 10 વર્ષમાં લીધેલા નિર્ણયો, યોજનાઓથી વર્ષ 2047ના વિકસિત ભારતને પ્રસ્તૃત કરશે.


