- અમેરિકાના સાંસદે વડાપ્રધાનની પ્રશંસા કરી
- મેક્કોર્મિકે કહ્યું કે, મોદીની લોકપ્રિયતા પાર્ટી લાઇનથી પર છે.
- તેમની લોકપ્રિયતાનો ગ્રાફ લગભગ 70 ટકા છે
ચૂંટણી પંચે હજુ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત નથી કરી પણ દેશમાં ચૂંટણીનાં બ્યૂગલ ફૂંકાવા માંડયાં છે અને તેની અસર વિદેશી રાજકારણીઓ સુધી પણ પહોંચી છે. અમેરિકાના એક સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં સતત ત્રીજી વારની જીતની કામના કરી છે. રિચ મેક્કોર્મિકને વિશ્વાસ છે કે પીએમ મોદીની પાર્ટી ભાજપ આગામી લોકસભાની ચૂંટણી જીતી જશે અને તેઓ ત્રીજી વાર વડાપ્રધાન બનશે. સમાચાર એજન્સીને આપેલા ઇન્ટર્વ્યૂમાં રિપબ્લિકન સાંસદે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અવિશ્વસનીય છે. મેં વડાપ્રધાન મોદી સાથે બપોરનું ભોજન કર્યું હતું. હકીકતમાં તેમની લોકપ્રિયતા પાર્ટી લાઇનથી પર છે. તેઓ ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. મેક્કોર્મિકે એમ પણ કહ્યું કે અર્થવ્યવસ્થા પર નરેન્દ્ર મોદીનો પ્રગતિશીલ દૃષ્ટિકોણ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરનારો છે.


