ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાની જાહેરાત કરી હતી.કિંગ કોહલીના ટેસ્ટમાંથી રિટાયરમેન્ટને લઈને ભારત અને વિદેશના ખિલાડીઓની જુદી-જુદી થિયરી સામે આવી રહી છે. હાલમાં જ ભારતના બેટસમેન મોહમ્મદ કૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે વિરાટ હજુ પણ ટેસ્ટ રમવા માંગતા હતો. તેણે ઇંગ્લેન્ડમાં રમાનાર ટેસ્ટ શ્રેણીને લઈને પૂર્ણ તૈયારી પણ કરી હતી. છતાં કેમ અચાનક 12મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી તેને લઈને મારા સહિત તેને જાણનાર ક્રિકેટરોને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. કૈફે વધુમાં જણાવ્યું કે મારા માનવા મુજબ વિરાટનો આ નિર્ણય અણધાર્યો છે. આ નિર્ણય લેતા પહેલા કોઈ પૂર્વ આયોજન નહોતું. સંભવત અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિનો ટેકો ના મળવાના કારણે આખરે કિંગ કોહલીએ સંન્યાસ લેવાનું નક્કી કર્યું હોઈ શકે.
વિરાટ હજુ આ ફોર્મેટમાં રમવા માંગતા હતો..
આ ઇન્ટરવ્યુમાં, કૈફે કહ્યું કે વિરાટ રણજી રમીને આ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખવા માંગતો હતો. કદાચ BCCI અધિકારીઓ અને પસંદગીકારો સાથે વિરાટે આ અંગે ચર્ચા કરી હશે. દરમિયાન પસંદગીકારોએ કદાચ તેના છેલ્લા 5-6 વર્ષના તેના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હશે અને કહ્યું હશે કે હવે તેનું ટીમમાં સ્થાન નથી. તેમણે વધુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પાછા ફર્યા પછી અને રણજી ટ્રોફી રમ્યા પછી, તે સ્પષ્ટ હતું કે તે આગામી ટેસ્ટમાં વાપસી કરવા માંગે છે. વિરાટને આશા હતી કે તેને BCCI અને પસંદગીકારો તરફથી પણ સમર્થન મળશે, પરંતુ તેમનું સમર્થન ના મળ્યું.
કોમેન્ટેટર નાસીર હુસૈન
મોહમ્મદ કૈફ ઉપરાંત વિદેશી ખેલાડીએ પણ વિરાટના ટેસ્ટ સંન્યાસ પર નિવેદન આપ્યું છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટ કોમેન્ટેટર નાસીર હુસૈને કહ્યું કે હું છેલ્લા 14 વર્ષથી વિરાટ કોહલીનો ફેન રહ્યો છું. ભારતમાં કોહલી કરતાં ક્રિકેટ માટે કોઈને વધુ જુસ્સો નહોતો.તે આગામી બે વર્ષ સુધી આરામથી ટેસ્ટ ક્રિકેટ રમી શક્યો હોત પરંતુ તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી તેની પાછળ સબળ કારણો હશે. નહીંતર વિરોટ કોહલીએ આટલો મોટો નિર્ણય અચાનક ના લીધો હોત.
છેલ્લા કેટલાક વર્ષોમાં નબળું પ્રદર્શન
જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 12મેના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના બાદ ક્રિકેટ જગતમાં કિંગ કોહલી દ્વારા અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાતને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે વિરાટ કોહલીના છેલ્લા કેટલાક વર્ષોના ટેસ્ટ ક્રિકેટના પ્રદર્શન પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે તેમણે બહુ સારો દેખાવ કર્યો નથી. આ દરમિયાન, તેમણે 68 ઇનિંગ્સમાં ફક્ત 2028 રન બનાવ્યા અને ફક્ત ત્રણ સદી ફટકારી. આ સમયગાળા દરમિયાન તેમની કારકિર્દીની સરેરાશ ઘટીને 46 થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન, તેણે પર્થમાં શાનદાર સદી ફટકારીને વાપસીના સંકેતો દર્શાવ્યા હતા, પરંતુ બાકીના પ્રવાસમાં તે ફક્ત 90 રન જ બનાવી શક્યો અને ભારત 1-3થી શ્રેણી હારી ગયું. સંભવત આ નબળા પ્રદર્શનને ધ્યાનમાં રાખી પસંદગી સમિતિએ હવે વિરાટને ટેસ્ટ ક્રિકેટમાં સામેલ નહીં કરવાનો નિર્ણય કર્યો હોઈ શકે.


