20 દિવસમાં જ નોકરી છોડીને રૂ.10 લાખ ઓળવ્યા : SBIના ATM માટે લેવાયેલા રૂ.1.30 કરોડમાંથી ગડબડ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ATMમાં રૂપિયા લોડ કરવાની પ્રક્રિયામાં સંકળાયેલી ખાનગી કંપનીના કર્મચારી દ્વારા રૂ.10 લાખની રકમ ગબન કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે CMS કંપનીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકમાં છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ, આરોપી સાગર પરસોતમ દેવળીયા (મૂળ વેરાવળ, હાલ રાજકોટ) માત્ર 20 દિવસ પહેલાં જ કંપનીમાં કસ્ટોડીયન તરીકે નોકરીએ જોડાયો હતો. કંપનીનું કામ વિવિધ બેંકોમાંથી રોકડ રકમ લઈ ATMમાં લોડ કરવાની અને બાકી રકમ ફરી બેંક અથવા ઓફિસમાં જમા કરાવવાની જવાબદારીનું છે. ગત તા.2ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખામાંથી કુલ રૂ.4 કરોડ લેવામાં આવ્યા હતા, જે બે અલગ રૂટમાં ATM લોડિંગ માટે વહેંચાયા હતા.
બીજા રૂટમાં રૂ.1.30 કરોડની જવાબદારી બોલેરો વાહનમાં સવાર ચાર કર્મચારીઓને સોંપવામાં આવી હતી. વાહન ખરાબ થતાં રકમ બીજી ગાડીમાં ટ્રાન્સફર કરવામાં આવી, જેમાં આરોપી સાગર દેવળીયા કસ્ટોડીયન તરીકે જવાબદાર હતો. આ ટીમે જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા ATMમાં રૂ.29 લાખ લોડ કર્યા બાદ બાકી રૂ.1.01 કરોડ ઓફિસે પરત લાવવાની જવાબદારી હતી.
તપાસમાં સામે આવ્યું કે આરોપીએ માત્ર રૂ.91 લાખ જ ઓફિસે જમા કરાવ્યા અને બાકી રૂ.10 લાખ જમા ન કર્યાનું ખુલ્યું. બીજા દિવસે કંપનીના કમ્પ્યુટર ડેટાની ચકાસણી દરમિયાન રકમ ઓછી હોવાની ખાતરી થતાં સમગ્ર મામલો બહાર આવ્યો. પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન મળતાં કંપનીના મેનેજર ગોપાલસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી.
ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે IPC મુજબ છેતરપીંડીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીએસઆઈ એસ.બી. જાડેજા અને તેમની ટીમ આરોપી ક્યાં રીતે અને ક્યાં ખર્ચે રકમ વાપરી તે દિશામાં તપાસ કરી રહી છે.


