બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
કોટડા સાંગાણીના નોટરી સાથે ગોંડલ જૂની કોર્ટના ઝાપા પાસે બનેલો બનાવ : સગીર કળા કરી ગયો
અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડાસાંગાણીમાં બાઈકના હુકમાં રૂ. 98 હજારની રોકડ ભરેલો થેલો લટકાવી ઘરમાં જતાં જ નોટરીનો રોકડ ભરેલો થેલો ગણતરીની મિનિટોમાં ચોરાઈ ગયો હતો. ઘર બહારથી જ રોકડ ભરેલો થેલો ઉઠાવી જવા મામલે સીસીટીવી ચકાસતા સગીર તસ્કર કળા કરી ગયાનું ધ્યાને આવતા કોટડાસાંગાણી પોલીસ મથકે સગીર તસ્કર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે કોટડાસાંગાણીની જૂની પોસ્ટ ઓફિસ નજીક રહેતા 48 વર્ષીય પ્રૌઢ કાદીરબક્ષ જાનમહોમ્મદભાઇ બ્લોચએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ જુની કોર્ટના ઝાપા પાસે મારૂતી ઝેરોક્ષ નામની નોટરી તથા ઝેરોક્ષની ચલાવે છે.
વધુમાંનોટરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના આશરે 11 વાગ્યે તેઓ ઘર વખરીના સામાનની ખરીદી કરી કોટડા ગામની બજારમાથી ઘરે પરત આવેલ હતો. ત્યારે બાઈક જીજે-03-એનઈ-8192 ઘરની બહાર પાર્ક કરી ઘરમાં અંદર જતો રહેલ હતો.
ત્યારે કોફી કલરનો લેધરનો થેલો જેમા જરૂરી કાગળો તથા 98 હજાર રોકડા હતા, થેલો બાઈકમાં ડાબી બાજુના લોખંડના હુકમા લટકાડેલ હતો. પંદર-વિશ મિનીટ બાદ ઘરની બહાર આવી બાઈક જોતા થેલો મળી આવેલ ન હતો. જેથી પત્ની સબાનાબેનને થેલા બાબતે પૂછતાં તેને આ બાબતે કંઈ ખબર નહિ હોવાનું જણાવ્યું હતું.
જેથી ફરિયાદીએ તેમના ઘરની બાજુમા આવેલ કંદોઇની દુકાનના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા એક વર્ષનો છોકરો બાઈકમાં રાખેલ થેલો ચોરી કરી ગયાનું જોવા મળ્યું હતું. જે બાદ સગીરની તપાસ કરતા તેની ઓળખ થઇ જતાં નોટરીએ કોટડાસાંગાણી પોલીસ મથકે સીસીટીવી ફૂટેજ સાથે દોડી જઈ સગીર તસ્કર વિરુદ્ધ નામજોગ રૂ.98 હજારની રોકડ ભરેલા થેલાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. મામલામાં પોલીસે સગીરને પકડી રોકડ ભરેલો રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.


