- કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતના ઘરે EDના દરોડા, 3 રાજ્યોમાં 16 સ્થળોએ સર્ચ ઓપરેશન
- પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતના ઘર પર EDએ દરોડા પાડ્યા.
- ED બે અલગ-અલગ કેસમાં દરોડા પાડી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઉત્તરાખંડના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત અને અન્ય લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત આ દરોડા ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆરમાં એક ડઝનથી વધુ સ્થળો પર સાગમટે થઈ રહ્યા છે. મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં દિલ્હી, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં EDના આ દરોડા ચાલી રહ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવત સાથે જોડાયેલા એક કૌભાંડ કેસમાં એક સાથે એક ડઝન સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ત્રણ રાજ્યોમાં 16 સ્થળો પર EDના દરોડા
દિલ્હી, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ત્રણ રાજ્યોમાં 16 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. ED દ્વારા આ દરોડા બે અલગ-અલગ કેસમાં ચાલી રહ્યા છે, જેમાંથી એક જંગલની જમીન સાથે સંબંધિત છે અને બીજો જમીન કૌભાંડનો છે. જેમાં ગત વર્ષે ઓગસ્ટમાં વિજિલન્સ વિભાગે હરકસિંહ રાવત સામે કાર્યવાહી કરી હતી.
કેન્દ્રીય એજન્સીએ પૂર્વ મંત્રીના નજીકના લોકો સામે પણ કાર્યવાહી કરી
EDની ટીમ દેહરાદૂનના ડિફેન્સ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડી રહી છે. કેન્દ્રીય એજન્સીએ પૂર્વ મંત્રીના નજીકના લોકો સામે પણ કાર્યવાહી કરી છે. EDએ વન જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી પીએમએલએ હેઠળ થઈ રહી છે. અગાઉ ઓગસ્ટ 2023માં પણ વિજિલન્સ વિભાગે હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
કોણ છે હરક સિંહ રાવત?
હરક સિંહ રાવતને ભાજપ દ્વારા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને અનુશાસનહીનતાને કારણે કેબિનેટ મંત્રી પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ વર્ષ 2022માં કોંગ્રેસમાં જોડાયા હતા. હરક સિંહની સાથે તેમની પુત્રવધૂ અનુકૃતિ ગોસાઇ પણ કોંગ્રેસમાં જોડાયા હતા.
વરિષ્ઠ નેતા હરીશ રાવત સામે બળવો કરીને ભાજપમાં જોડાયા હતા
વર્ષ 2022માં, ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓને કારણે હરક સિંહ રાવતને તેની કેબિનેટ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી 6 વર્ષ માટે બરતરફ કરી દીધા હતા. આ પછી હરક સિંહ રાવત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2016માં હરક સિંહ રાવત સહિત કુલ 10 ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત સામે બળવો કરીને ભાજપમાં જોડાયા હતા.


